
અમિત શાહે સંકલ્પ યાત્રાની શરૂઆત કરી, બોલ્યા – PM મોદીએ સ્વચ્છતાને જનઆંદોલન બનાવ્યું
- ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ યાત્રાની કરી શરૂઆત
- પીએમ મોદીએ સ્વચ્છતાને જનઆંદોલન બનાવ્યું: શાહ
- BJPના કાર્યકરો 31 ઑક્ટોબર સુધી કરશે પદયાત્રા
મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી પર ભાજપે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંકલ્પ યાત્રાની શરૂઆત કરી હતી. તે દરમિયાન તેમણે કહ્યું કે ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતી, આઝાદી બાદ માત્ર પીએમ મોદી એવા પ્રધાનમંત્રી છે જેમણે સ્વચ્છતાને જનઆંદોલન બનાવ્યું છે.
અમિત શાહે ઉમેર્યું હતું કે દેશભરમાં બીજેપીના કાર્યકરો આજથી 31 ઑક્ટોબર સુધી 150 કિમીની પદયાત્રા કરીને ગાંધીજીના મૂલ્યોને જનતા સુધી પહોંચાડવાનું કામ કરશે. સ્વદેશ, સ્વર્ધમ, સ્વભાષા અને સ્વદેશીના મૂલ્યોને અમે દરેક ગામ અને ઘર સુધી પહોંચાડવાનું કામ કરીશું.
સમસ્યાઓના નિરાકરણ માટેનો રસ્તો
તેમણે ગાંધીજી વિશે કહ્યું હતું કે એ મહા વ્યક્તિ જેમણે સમગ્ર દુનિયાની સમસ્યાઓના નિરાકરણનો રસ્તો બતાવ્યો તે વ્યક્તિના વિચારોને દરેક ઘર અને ગામ સુધી પહોંચાડાશે. પ્રદૂષણ મુક્ત સ્વચ્છ ભારતના નિર્માણમાં અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આગળ વધીશું.
અમે ગાંધીજીના સંદેશ, વગર કામનું ધન, વિવેકવિહીન ખુશી, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, ત્યાગ વિના ધર્મ, માનવતા વગર વિજ્ઞાન અને સિદ્વાંત વિના રાજનીતિ આ દરેકનો ત્યાગ કરાવવા માટે સમગ્ર દેશમાં જાગરુકતા ફેલાવીશું.