
અયોધ્યા વિવાદ: મુસ્લિમ પક્ષનો યૂ-ટર્ન, કહ્યું –સુન્ની વકફ બોર્ડ રામ ચબૂતરાને શ્રીરામનું જન્મસ્થાન નથી માનતું
- અયોધ્યા વિવાદની સુનાવણીના 31માં દિવસે મુસ્લિમ પક્ષની પલટી
- રામ ચબૂતરાને સુન્ની વકફ બોર્ડ શ્રીરામનું જન્મસ્થાન નથી માનતી
- જજની ટિપ્પણી વિરુદ્વ અમે નથી જઇ રહ્યા – જફરયાબ ગિલાની
અયોધ્યા વિવાદની સુનાવણીના 31માં દિવસે સુન્ની વકફ બોર્ડ તરફથી જફરયાબ ગિલાનીએ સ્પષ્ટતા કરી હતી કે સુન્ની વકફ બોર્ડ રામ ચબૂતરાને શ્રીરામનું જન્મસ્થાન નથી માનતી. અમારું કહેવું છે કે હિંદુ પક્ષ રામ ચબૂતરાને શ્રીરામનું જન્મસ્થાન માને છે અને આ મામલે જજની ટિપ્પણી વિરુદ્વ અમે નથી જઇ રહ્યા. સુન્ની વકફ બોર્ડના વકીલ જફરયાબ જિલાની હકીકતમાં બુધવારે પ્રત્યક્ષ રીતે રામ ચબૂતરાને શ્રીરામનું જન્મસ્થાન માનવાથી ઇનકાર કરી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે તેમણે ડિસ્ટ્રિક્ટ જજના તે નિર્ણયને પણ નથી પડકાર્યો, જેમાં ન્યાયાધીશે રામચબૂતરાને શ્રીરામનું જન્મસ્થાન માનવાની હિંદુ પક્ષની આસ્થાને માન્યતા આપી હતી.
ફૈઝાબાદના ડિસ્ટ્રિક્ટ કોર્ટનો આ નિર્ણય 18 મે 1986માં આવ્યો હતો. ત્યારે મહંત રઘુબર દાસે વિવાદિત જમીન પર શ્રી રામમંદિર નિર્માણને લઇને અરજી દાખલ કરી હતી. રઘુબર દાસે ફૈઝાબાદ સબ જજના 24 ડિસેમ્બર 1885ના નિર્ણયને પડકાર્યો હતો. ડિસ્ટ્રિક્ટ જજ ખુદ વિવાદિત જગ્યા પર ગયા હતા અને ત્યારબાદ તેમણે નિર્ણય આપ્યો હતો.
18 મે 1986 ના રોજ અપાયેલા પોતાના નિર્ણયમાં ડિસ્ટ્રિક્ટ જજે કહ્યું હતું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે હિંદુઓ માટે આટલી પવિત્ર જગ્યા પર બાબરી મસ્જિદ બનાવાઇ. પરંતુ આ 356 વર્ષ જૂની વાત થઇ ચૂકી છે. હવે તે નુકસાનની ભરપાઇ કરવી મુશ્કેલ છે. વધુમાં વધુ હવે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપી શકાય છે. આ નિર્ણયમાં કોર્ટે કહ્યું હતું કે રામચબૂતરાને હિંદુ શ્રીરામનું જન્મસ્થાન માને છે અને એક રેલિંગ રામચબૂતરાને મસ્જિદથી અલગ કરે છે.
મુસ્લિમોએ 1986ના આ નિર્ણયમાં રામચબૂતરાને શ્રીરામના જન્મસ્થાન માનવાની ટિપ્પણીને ક્યારેય પણ કોઇ અદાલતમાં પડકારી નથી અને ત્યારબાદથી એટલે કે 1986થી રામચબૂતરા પર હિંદુઓનો કબ્જો રહ્યો છે.