
અયોધ્યા કેસ – 18 ઑક્ટોબર સુધી દલીલ પૂર્ણ કરો, નિર્ણય લખવામાં અમારે 4 સપ્તાહનો સમય જોઇશે – CJI
સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે અયોધ્યા કેસની 26માં દિવસની સુનાવણીમાં ચીફ જસ્ટિસના નિર્દેશોની પૃષ્ઠભૂમિમાં દરેક પક્ષોએ કેસના સંબંધમાં પોતાની દલીલોની સમયસીમા દર્શાવી હતી. વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે મુસ્લિ પક્ષકારોને વર્તમાન અને આગામી પૂરો સપ્તાહ પોતાની દલીલ પૂર્ણ કરવામાં લાગશે. હિન્દુ પક્ષકારોએ કહ્યું કે તેની દલીલની પ્રતિક્રિયામાં અમારે 2 દિવસ લાગશે. ધવને કહ્યું કે ત્યારબાદ અમને બે દિવસ લાગશે. આ પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આપ લોકો જે રીતે સમયસીમા દર્શાવી રહ્યા છો તેના પરથી લાગી રહ્યું છે કે 18 ઑક્ટોબર સુધી દરેક પક્ષ તેની દલીલ કોર્ટ સમક્ષ રજૂ કરી શકશે.
તેના પર CJI એ કહ્યું હતું કે દરેક પક્ષ તેની દલીલો 18 ઑક્ટોબર સુધી પૂર્ણ કરે. તેમણે સંકેતો આપ્યા હતા કે જો સમય ઓછો પડશે તો શનિવારે પણ સુનાવણી થઇ શકે છે. આપણે મળીને એ પ્રયાસ કરવો જોઇએ કે આ મામલે સુનાવણી 18 ઑક્ટોબર સુધી પૂર્ણ થઇ જાય. તેથી જો સુનાવણી 18 ઑક્ટોબર સુધી પૂર્ણ થઇ જશે તો 17 નવેમ્બરના રોજ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇના નિવૃત થયા પહેલા સુપ્રીમ કોર્ટને તેનો નિર્ણય લખવામાં તેમજ સંભળાવવા માટે એક મહિનાનો સમય મળશે.
તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાને લઇને કહ્યું હતું કે મધ્યસ્થતાને લઇને પત્ર મળ્યો છે. CJI એ કહ્યું કે જો પક્ષ પરસ્પર વાતચીત કરીને આ મુદ્દે સમજૂતી કરવા ઇચ્છે તો તેવું કરીને કોર્ટ સમક્ષ રજૂ કરે. મધ્યસ્થતા થઇ શકે છે. ગોપનીયતા મધ્યસ્થતાને લઇને બની રહેશે.