
- આસામના 521 વિદેશી ટ્રિબ્યૂનલમાં 19 લાખ લોકોનું ભાવિ નક્કી થશે
- સૂચિમાંથી બહારના લોકોએ 120 દિવસની અંદર કરવી પડશે અપીલ
- કાયદેસર દસ્તાવેજ ધરાવતા લોકોને નિશુલ્ક કાનૂની સહાયતા મળશે
આસામ NRCની અંતિમ યાદીમાંથી બહાર થઇ ચૂકેલા 19 લાખ લોકોના ભવિષ્યનો નિર્ણય કોણ કરશે તે એક યક્ષ પ્રશ્ન છે. આ સૂચિમાંથી બહાર રહેલા લોકો અસમંજસમાં છે કે તેઓ હવે શું કરે, કેવી રીતે કરે?. રિપોર્ટ અનુસાર આસામમાં 521 ફૉરેન ટ્રિબ્યૂનલમાં આગામી નાગરિક્તા વિવાદનો નિર્ણય લેવાશે. હાલમાં જ ગુવાહાટી હાઇકોર્ટે ફૉરેન ટ્રિબ્યૂનલના સભ્યનો તરીકે 221 લોકોના નામનું એલાન કર્યું હતું. એક સપ્તાહની અંદર આ સભ્યોની નિયુક્તિ કરી દેવાશે. આસામ સરકાર પણ વિદેશી ટ્રિબ્યૂનલના સભ્યોના નામની જાહેરાત કરશે.
હાલમાં આસામમાં 100 વિદેશી ટ્રિબ્યૂનલ છે. ટૂંક સમયમાં રાજ્યના દરેક જિલ્લાઓમાં 221 ટ્રિબ્યૂનલની સ્થાપના કરાશે. તે ઉપરાંત ડિસેમ્બર સુધી વધુ 200 વિદેશી ટ્રિબ્યૂનલની સ્થાપના થશે. આ રીતે વર્ષાન્તે કુલ 521 ફૉરેન ટ્રિબ્યૂનલ કાર્યરત થઇ જશે. જણાવી દઇએ કે વિદેશી ટ્રિબ્યૂનલ કોર્ટ જેવું કામ કરે છે. વિશેષ મામલાઓની સુનાવણીના હેતુસર તેની સ્થાપના કરાય છે. આ ટ્રિબ્યૂનલમાં ન્યાયાધીશ ઉપરાંત અધિકારી પણ હોય છે. આસામના વિદેશી ટ્રિબ્યૂનલ NRC મામલાઓની સુનાવણી કરવા માટે અધિકૃત છે.
આસામ સરકારે સ્પષ્ટતા કરી હતી કે જેના નામ NRCમાંથી બહાર છે, તેને ત્યાં સુધી અટકાયતમાં નહીં લેવાય જ્યાં સુધી તેઓથી જોડાયેલા મામલાઓમાં વિદેશી ટ્રિબ્યૂનલમાંથી નિર્ણય ના આવી જાય. NRC સૂચિમાંથી બહારના લોકો 120 દિવસની અંદર ટ્રિબ્યૂનલમાં અરજી કરી શકશે. આ લોકોને નોટિસ મોકલાશે અને નોટિસ મળ્યાથી 120 દિવસની અંદર વિદેશી ટ્રિબ્યૂનલ સમક્ષ અપીલ કરી શકશે.
વિદેશી ટ્રિબ્યૂનલની સામે નાગરિક્તા સાબિત કરવા માટે દરેક શખ્સે 24 માર્ચ 1971 પહેલાના દસ્તાવેજો રજૂ કરવા પડશે. જો લોકો પાસે કાયદેસર દસ્તાવેજ હશે તે લોકોને રાજ્ય સરકાર નિશુલ્ક કાનૂની સહાય પણ પૂરી પાડશે. રાજ્યના અનેક બાર એસોસિએશને કાયદેસર દસ્તાવેજ ધરાવતા લોકોને નિશુલ્ક ન્યાયિક સેવા પ્રદાન કરવાની જાહેરાત કરી છે. આસામ સરકારે પણ આ જ દિશામાં આ લોકોને નિશુલ્ક સેવા આપવાનું એલાન કર્યું છે.
નાગરિક્તા કાનૂન 2003ની નિયમ સંખ્યા 8 અનુસાર જે લોકોના નામ NRC યાદીમાં નથી તે લોકોને વિદેશી કરાર નહીં અપાય, તેઓ પાસે અપીલ કરવાનો અધિકાર છે. જરૂરિયાતમંદ લોકોને સરકાર કાનૂની સહાયતા પુરી પાડશે.