
અમૃતસર: જલિયાંવાલા બાગ મેમોરિયલમાં અંગ્રેજ પાદરીના દંડવત પ્રણામ, બોલ્યા – શરમિંદા છું
કેંટરબરીના આર્કબિશપ રેવરેંડ જિસ્ટન વેલ્બીએ મંગળવારે અમૃતસર સ્થિત જલિયાવાલા બાગની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બ્રિટિશ કૉલોનિયલ સમય દરમિયાન થયેલા હજારો લોકોના નરસંહાર પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે જ, કહ્યું હતું કે આ ઘટના પર શરમ અનુભવુ છું. જણાવી દઇએ કે વર્ષ 1919ના એપ્રિલ મહિનામાં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. તે દરમિયાન કર્નલ ડાયરના નિર્દેશ પર બ્રિટિશ ભારતીય સેનાએ દેશની સ્વતંત્રતા માટે પ્રદર્શન કરી રહેલા નિર્દોષ લોકો પર અંધાધૂત ગોળીબાર કરીને હજારો લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.
જણાવી દઇએ કે વેલ્બી હાલમાં ભારતના પ્રવાસ પર છે અને અમૃતસરની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે હું બ્રિટિશ સરકાર વિશે કઇ ના કહી શકું, પરંતુ હું ઇમામસીહના નામે બોલી શકું છું. આ સ્થાન પાપની યાદ અપાવે છે, કારણ કે જે તેઓએ કર્યું, તે માટે તમે તેઓનું નામ હંમેશા યાદ રાખશો.
વેલ્બીએ કહ્યું કે અહીંયા જે ગુનો થયો તે માટે હું શરમ અનુભવું છું અને શોક વ્યક્ત કરું છું. હું એક ધાર્મિક નેતા છું, ન કે રાજનેતા. એક ધાર્મિક નેતા તરીકે હું અહીંયા થયેલા આ નરસંહાર પર શોકની લાગણી અનુભવું છું. આ દરમિયાન આર્કબિશપે અપરાધ માટે ક્ષમા માગવા પ્રાર્થના કરી હતી તેમજ જલિયાવાલા બાગમાં શહીદ થયેલા લોકોના સમ્માન મેમોરિયલના ફર્શ પર દંડવત પ્રણામ કર્યા હતા.
આ દરમિયાન આર્કબિશપે વિઝિટર બૂકમાં તેના વિચારો રજૂ કર્યા હતા. તેમણે લખ્યું કે વર્ષો પહેલા આ સ્થાન પર થયેલી દર્દનાક ઘટના પર શરમ આવે છે. હું આ ઘટનામાં શહીદ થયેલા લોકો અને તેના પરિવારજનો માટે પ્રાર્થના કરું છું. આપણે ઇતિહાસમાંથી શીખીએ એ માટે હું આ પ્રાર્થના કરું છું.