
એક દેશ, એક ઓળખ! આધાર, ડીએલ, પાસપોર્ટ, વોટર કાર્ડ, બધા માટે એક જ કાર્ડનો વિચાર- અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે દરેક નાગરિકો માટે એક બહુઉદ્દેશ્યીય ઓળખ પત્રનો વિચાર રજૂ કર્યો હતો. જેમાં આધાર, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને બેંક ખાતા જેવી દરેક સુવિધાઓ જોડાયેલી હોય. તે ઉપરાંત 2021ની વસ્તીગણતરી પણ મોબાઇલ એપથી થશે તેવી જાણકારી આપી હતી.
ગૃહ મંત્રીએ કહ્યું કે એવી પ્રણાલી પણ હોવી જોઇએ કે કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની જાણકારી જનસંખ્યા આંકડામાં અપડેટ થઇ જાય. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે આધાર, પાસપોર્ટ, બેંક ખાતા, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વોટર કાર્ડ જેવી દરેક સુવિધાઓ માટે માત્ર એક જ કાર્ડ હોઇ શકે છે. તેની સંભાવનાઓ છે.
દેશના સામાજિક પ્રવાહ, દેશના અંતિમ વ્યક્તિના વિકાસ અને દેશના ભવિષ્યની યોજનાઓ માટે જનગણના આધાર છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ વસ્તીગણતરીના મહત્વ વિશે જણાવ્યું હતું કે વસ્તીગણતરી કોઇ કંટાળાજનક કામ નથી પરંતુ તેનાથી સરકારને તેની યોજનાઓને અમલ કરવામાં મદદ મળે છે. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર અનેક મુદ્દાઓના નિરાકરણ માટે સરકારને મદદરૂપ બને છે.
બેટી બચાઓ-બેટી પઢાઓ જેવી યોજનાઓ, જન જાગૃતિ, ગર્ભપાતના કાનૂનને કડક બનાવવો જેવા અનેક પ્રયાસો વસ્તીગણતરીની પ્રક્રિયા બાદ જ શક્ય બને છે.
જણાવી દઇએ કે વર્ષ 1865માં દેશમાં પહેલી વસ્તીગણતરી થઇ હતી. ત્યારથી અત્યારસુધી કુલ 15 વખતી વસ્તીગણતરી પ્રક્રિયા હાથ ધરાઇ છે. હવે 2021માં વસ્તીગણતરી થશે.