
2013મા ભ્રષ્ટાચાર ચરમસીમાએ હતો અને પ્રધાનમંત્રીને કોઇ પ્રધાનમંત્રી માનવા તૈયાર ન હતું: અમિત શાહ
દિલ્હીમાં ઑલ ઇન્ડિયા મેનેજમેન્ટ કનવેંશનમાં ગૃહ મંત્રી અને બીજેપીના રાષ્ટ્રય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે આજે જોગાનુજોગ છે કે જે દિવસે હું AIMA ના 46માં કન્વેંશન કાર્યક્રમમાં આવ્યો છું ત્યારે જ પીએમ નરેન્દ્ર મોદીનો પણ જન્મદિવસ છે. દરેક દેશવાસીઓ માટે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ એ માટે ખાસ છે કે તેમણે જનતાના મનમાં વિશ્વાસ જગાવ્યો છે કે 21મી સદી ભારતની હોઇ શકે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે વર્ષ 2013નું દૃશ્ય મને યાદ છે, જ્યારે ભ્રષ્ટાચાર ચરમસીમાએ હતો, સીમાઓની સુરક્ષાનું કોઇ ઠેકાણું ન હતું, આંતરિક સુરક્ષા કથળેલી હતી, મહિલાઓની સુરક્ષા ખતરામાં હતી. વડાપ્રધાનને કોઇ વડાપ્રધાન જ માનતું ન હતું. ત્યારે લોકોને લાગતું હતું કે દેશ કઇ દિશામાં આગળ વધી રહ્યો છે. અમે ક્યારેય પણ લોકોને શું સારું લાગેશે તેના આધારે નથી લીધો પરંતુ લોકો માટે શું સારું છે તે વિચારીને લીધો છે. આ જ દેશના પરિવર્તનનો આધાર છે.
અમિત શાહે કહ્યું કે દેશના ઘોટાળા, કૌંભાડ અને ભ્રષ્ટાચારથી મુક્તિ મળી છે. તેમણે કહ્યું કે 2013માં મોટા મોટા ઘોટાળાઓ સામે આવી રહ્યા હતા. સરકારમાં દરેક લોકો પ્રધાનમંત્રી હતા અને સરકારને લકવા મારી ગયો હતો. જનતા માટે જે સારું હતું તે ધ્યાનમાં લઇને જ નિર્ણયો લેવાયા છે.
શાહે કહ્યું કે ન્યૂ ઇન્ડિયાની કલ્પનામાં જ મહાન ભારતની કલ્પના છે. આ કલ્પના મોદીજીએ 130 કરોડ ભારતીયોની સામે રાખી છે. એક વ્યક્તિ કદાચ કઇ ના કરી શકે પરંતુ 130 કરોડ લોકો એક એક પગલું ભરે તો પણ દેશ 130 કરોડ પગલાં આગળ વધી શકે છે. કોઇ સરકાર 30 વર્ષ ચાલે છે તો માત્ર પાંચ મોટા નિર્ણયો લઇ શકે છે, પરંતુ મોદીની સરકારે પાંચ વર્ષમાં 50થી વધુ મોટા નિર્ણયો લઇને દેશમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. એક નિર્ણાયક સરકાર આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે.
આપણા બંધારણના નિર્માતાઓનો ઉદ્દેશ હતો કે દેશના દરેક લોકોને તેના અધિકાર મળે. દરેકનું જીવન ઉન્નત થાય અને દરેકને સમાન અવસર પ્રાપ્ત થાય. જો કે સ્વતંત્રતાના 70 વર્ષો બાદની વ્યવસ્થાઓને કારણે લોકોમાં સવાલ હતો કે બહુ-પાર્ટી લોકતાંત્રિક સિસ્ટમ નિષ્ફળ તો નથી ગઇ, લોકોમાં નિરાશા હતી.
જ્યારે GSTનો નિર્ણય લેવાયો ત્યારે દેશભરના અર્થશાસ્ત્રીઓએ તેમને એક સાહસિક કદમ ગણાવ્યું હતું. આજે પાંચ વર્ષ થઇ ચૂક્યા છે ત્યારે એક લાખ કરોડથી વધારે રેવેન્યૂ અમે અનેકવાર જનરેટ કરી ચૂક્યા છીએ અને 60 લાખથી 95 લાખ સુધીના કરદાતાઓની નોંધણી સફળતાપૂર્વક કરીને એક દેશ અને એક કરની કલ્પનાને અમે સાકાર કરી છે.