
હોસ્પિટલના ICUમાં જઇને ન્યાયાધીશે આપી જેલ જવાની સજા! આ છે કારણ
રાજસ્થાનના અલવરમાં મહિલા હોસ્પિટલ પ્રભારીની સાથે ચપ્પલથી મારપીટ કરવાના આરોપમાં ધરપકડ કરાયેલી મહિલાને સજા સંભળાવવા માટે મેજિસ્ટ્રેટ ખુદ આઇસીયુ ગયા હતા. હકકીતમાં, આ ઘટના બાદ આરોપી મહિલાની તબિયત લથડી હતી જેને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. મહિલા કોર્ટમાં ના પહોંચી શકવાને કારણે મેજિસ્ટ્રેટ પોતે હોસ્પિટલના ICUમાં પહોંચ્યા હતા અને મહિલાને સજા સંભળાવી હતી. તે ઉપરાંત મેજિસ્ટ્રેટે ડૉક્ટરોને ત્રણ દિવસમાં મેડિકલ રિપોર્ટ સોંપવાનો પણ નિર્દેશ કર્યો છે.
હોસ્પિટલ પ્રભારી સાથે ચપ્પલથી મારપીટ કરવાનો આરોપ
જણાવી દઇએ કે આરોપી મહિલા સીમાએ મહિલા હોસ્પિટલ પ્રભારી ડૉક્ટર શ્યામબિહારી જારેડાની સાથે ચપ્પલથી મારપીટ કરી હતી. આ ઘટના બાદ મહિલાની ધરપકડ કરાઇ હતી અને તેને બુધવારે કોર્ટમાં હાજર થવાનું હતું. આ દરમિયાન આરોપી મહિલાએ બુધવારે સવારે છાતીમાં દુખાવાની ફરીયાદ કરતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. તેનો ઇલાજ આઇસીયુમાં ચાલી રહ્યો છે.
આઇસીયૂમાં મળી જેલ જવાની સજા
ડૉક્ટરોએ સીમાની તબિયત ખરાબ હોવાથી અને ICUમાં દાખલ હોવાને કારણે તેને ડિસ્ચાર્જ નહોતી કરી. બુધવારે તેને કોર્ટમાં હાજર થવાનું હતું. કોર્ટમાં તે હાજર ના થતા મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ પવન જીનવાલ સજા સંભળાવવા માટે આઇસીયુ પહોંચ્યા હતા. ન્યાયિક મેજિસ્ટ્રેટે આઇસીયુમાં જ હાજરની કાર્યવાહી પૂરી કરી હતી અને સીમાને 15 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી હતી.