
ચિન્મયાનંદ કેસ: SIT એ અલ્હાબાદ HCમાં સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો, કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો
- ચિન્મયાનંદ વિરુદ્વ એક લૉ વિદ્યાર્થીનીએ કરેલો છે યૌન શોષણનો કેસ
- કોર્ટ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનના પ્રગતિ રિપોર્ટથી સંતુષ્ટ
- 22 ઑક્ટોબર, 2019ના રોજ આગામી રિપોર્ટ સોંપવો પડશે
અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયે શાહજહાંપુરમાં લૉનો અભ્યાસ કરી રહેલી એક વિદ્યાર્થીનીનું પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ દ્વારા કથિતપણે યૌન શોષણ કરવાના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ દાખલ કરેલ પ્રગતિ રિપોર્ટ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. અદાલતે આગામી રિપોર્ટ દાખલ કરવા માટે 22 ઑક્ટોબર, 2019 ની તારીખ નક્કી કરી છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ વિરુદ્વ યૌન શોષણના મામલાની સુનાવણીના સમયે પીડિત યુવતી પણ અદાલતમાં ઉપસ્થિત રહી હતી. પીડિત યુવતીએ તેની ધરપકડ પર રોક લગાવવા માટે અરજી કરી હતી, પરંતુ અદાલતે યુવતીને કોઇપણ પ્રકારની રાહત આપવાનું એમ કહીને ઇનકાર કર્યો હતો કે જો પીડિત યુવતી આ મામલે કોઇ રાહત ઇચ્છે છે તો ઉચિત પીઠ સમક્ષ નવેસરથી એક અરજી દાખલ કરી શકે છે. અદાલતે વધુમાં કહ્યું હતું કે આ પીઠ આ મામલામાં માત્ર તપાસ પર નજર રાખવા માટે નામિત કરાઇ છે અને ધરપકડ પર રોક લગાવવાનો કોઇપણ આદેશ આપવો એ તેના અધિકાર ક્ષેત્રની બહાર છે.
જણાવી દઇએ કે ખરાબ સ્વાસ્થ્યને કારણે ચિન્મયાનંદને કિંગ્સ જૉર્જ મેડિકલ યુનિવર્સિટીમાં રેફર કરાયો હતો. ડૉક્ટરોએ જેલમાં બંધ ચિન્મયાનંદની એંજિયોગ્રાફી માટે તેને લખનૌની KGMU રેફર કરી હતી. સ્વામીની વકીલ ઓમ સિંહે જણાવ્યું હતું કે ચિન્મયાનંદના સમર્થનમાં આવેલા ભાજપ નેતા અને પૂર્વ એમએલસી જયેશ પ્રસાદ પણ સ્વામી સાથે લખનૌ ગયા છે. પ્રસાદે સ્વામી સાથે રવિવારે જેલમાં મુલાકાત કરી હતી. તેમણે 72 વર્ષીય સ્વામીની કથળતી તબિયત પર ચિંતા વ્યક્ત કરી હતી.