
- મિશેલને દુબઇથી 4 ડિસેમ્બર 2018ના રોજ પ્રત્યાર્પિત કરાયો હતો
- ઇડીએ પુરાવા એકત્ર કરવા માટે લેટર્સ રોગેટરી અનેક દેશોને મોકલ્યા
- વચેટિયો મિશેલ 9 મહિનાથી કસ્ટડીમાં
દિલ્હીની એક અદાલતે અગસ્તા વેસ્ટલૅન્ડ કેસમાં કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી ફગાવી છે. CBI અને EDના મામલે અદાલતે મિશેલની જામીન અરજી ફગાવી છે.
અગાઉ બ્રિટિશ નાગરિક મિશેલની જામીન અરજી પર જવાબ આપવા માટે સીબીઆઇ અને ઇડીએ 20 ઑગસ્ટના રોજ 1 સપ્તાહનો સમય માંગ્યો હતો. રાઉજ એવેન્યૂ કોર્ટમાં વિશેષ સીબીઆઇ ન્યાયાધીશ અરવિંદ કુમારની સામે સીબીઆઇ અને ઇડીના વિશેષ અધિવક્તા ડીપી સિંહે કહ્યું હતું કે જામીન અરજી સાથે ઇટલીના કોર્ટના નિર્ણયની પ્રતિ સંલગ્ન કરેલી છે. તેથી તેના સંદર્ભે, અનુવાદ માટે સમય જોઇએ છે.
ત્યારબાદ અદાલતે તપાસ એજન્સીઓને સમય ફાળવીને આગામી તારીખ નિર્ધારિત કરી હતી. મિશેલે તેની જામીન અરજીમાં કહ્યું હતું કે તે 9 મહિનાથી કસ્ટડીમાં છે. તેના વિરુદ્વ તપાસ પૂર્ણ થઇ ચૂકી છે અને તેને કસ્ટડીમાં રાખવું ઉચિત નથી. ઇટાલીની અદાલત તેને મુક્ત કરી ચૂકી છે તેથી તેને જામીન અપાય.
મિશેલને દુબઇથી 4 ડિસેમ્બર 2018ના રોજ પ્રત્યાર્પિત કરાયો હતો અને તેની 5 ડિસેમ્બરના રોજ સીબીઆઇએ ધરપકડ કરી હતી. CBIની પૂછપરછ બાદ ઇડીએ તેને 22 ડિસેમ્બરના રોજ ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. અદાલતે પૂછપરછ પૂર્ણ કર્યા બાદ મિશેલને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. તેની જામીન અરજી એકવાર નિચલી અદાલતે ફગાવી દીધી છે.
ઇડીએ આ મામલે પુરાવા એકત્ર કરવા માટે જે દેશોને રોગેટરી લેટર્સ મોકલ્યા હતા ત્યાંથી જવાબ મળ્યા છે. જો કે હજુ ઘણા જવાબ બાકી છે. જો કે અનેક દેશોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ અગસ્તા વેસ્ટલેન્ડ મામલામાં થયેલી લેવડદેવડની જાણકારી આપવા માટે તૈયાર છે.
તપાસ એજન્સીએ આ મામલે અત્યારસુધી જેટલા પણ આરોપીની પૂછપરછ કરી છે, તેના આધારે રિપોર્ટ તૈયાર કરીને લેટર્સ રોગેટરી અનેક દેશોને મોકલાયો છે. ઇડીએ બ્રિટન, ઇટાલી અને દુબઇ લેટર્સ રોગેટરીમાં રતુલ પુરી, રાજીવ સક્સેના, દીપક તલવાર અને અન્ય આરોપીઓની જાણકારી માંગી છે. ઉપરોક્ત બધા જ દેશોમાં આ દરેક લોકોની શેલ કંપનીઓ છે.