
આજથી પર્યટકો ફરીથી જમ્મૂ કાશ્મીરનો પ્રવાસ કરી શકશે, બે મહિનાથી લાગેલો પ્રતિબંધ હટાવાયો
- કાશ્મીરમાં બે મહિનાથી લાગેલા પર્યટકો પરના પ્રતિબંધ હટાવાયા
- હવે પર્યટકો ફરીથી કાશ્મીરના પ્રવાસ પર જઇ શકશે
- રાજ્યપાલ સત્યપાલ મલિકે પ્રતિબંધ હટાવવાની કરી જાહેરાત
પર્યટક આજથી ધરતી પરના સ્વર્ગ સમાન જમ્મૂ કાશ્મીરમાં ફરવા માટે જઇ શકશે. બે મહિના પહેલા આતંકી ખતરાને ધ્યાનમાં રાખતા પર્યટકો માટે જમ્મૂ કાશ્મીર પ્રવેશ પર રોક લગાવાઇ હતી. રાજ્યપાલ સત્યપાલ મલિકે સોમવારે સુરક્ષા સમીક્ષા બેઠક બાદ પર્યટકોના પ્રવેશ પરના પ્રતિબંધને હટાવવાનો નિર્ણય લેવાયો હતો.
નોંધનીય છે કે સરકારે આતંકી હુમલાની ગુપ્ત સૂચનાનો હવાલો દેતા અમરનાથા યાત્રા પર વચ્ચેથી જ રોકી દીધી હતી. ત્યારબાદ કોઇને પણ ઘાટીમાં રોકાવાની મંજૂરી નહોતી અપાઇ. ત્યારબાદ ત્રણ દિવસની અંદર સરકારે કલમ 370 રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. કોઇપણ પ્રકારની અપ્રિય ઘટના ના બને તે માટે સરકારે ઘાટીમાં મોબાઇલ સેવા અને ઇન્ટરનેટ પર રોક લગાવી હતી. એ દરમિયાન અનેક નેતાઓને નજરબંધ કરાયા હતા અને સૈનિકોને પણ તૈનાત કરાયા હતા.
બે મહિનાથી વધુ સમય સુધી લાગેલા પ્રતિબંધોને હળવા કરાયા છે. મોટા ભાગે જમ્મૂના લોકોને તેનો ફાયદો મળી રહ્યો હતો. કાશ્મીરમાં હજુ પણ અનેક વિસ્તારોમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા પર રોક જારી છે. ટૂરિસ્ટ ઑપરેટરોએ ઑગસ્ટના અંતમાં મીડિયાને બતાવ્યું હતું કે પર્યટકોના ના આવવાથી ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે. 5 ઑગસ્ટ બાદ માત્ર 150 વિદેશી યાત્રિકોએ જ કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. જ્યારે શરૂઆતના 7 મહિનાઓમાં 5 લાખથી વધુ યાત્રિકોએ જમ્મૂ કાશ્મીરની મુલાકાત લીધી હતી.