
આસામ: ઑનલાઇન પ્રકાશિત થઇ NRCની અંતિમ યાદી, રાજ્યમાંથી 10,000 સુરક્ષાકર્મીઓને પરત બોલાવાયા
- NRCની અંતિમ યાદી ઑનલાઇન પ્રકાશિત કરાઇ
- NRC બાદ આસામમાં હિંસાની એક પણ ઘટના નહીં
- ગૃહ મંત્રાલયે સૈનિકોને પરત બોલાવાનો લીધો નિર્ણય
આસામમાં NRC પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. NRCના આસામ સંયોજક કાર્યાલયે માહિતી આપી હતી કે દરેક અરજદારોના નામ શનિવારે ઑનલાઇન પ્રકાશિત થઇ ચૂક્યા છે. કાર્યાલયે જણાવ્યું હતું કે NRCના ડ્રાફટ અનુસાર અને અંતિમ NRC સૂચિમાં શામેલ કરાયેલા અને તેમાંથી બહાર રખાયેલા લોકોના નામોની યાદીને ધ્યાનમાં રાખતા 3.30 કરોડ અરજદારોના નામ પ્રકાશિત થઇ ચૂક્યા છે.
બીજી તરફ કેન્દ્ર સરકારે NRCની અંતિમ યાદીના પ્રકાશન પહેલા આસામમાં તૈનાત કરાયેલા અર્ધસૈનિક દળોના 10,000 સૈનિકોને પરત બોલાવી લીધા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે NRC પછી આસામમાં કોઇ હિંસાની ઘટના બની નથી. તેથી આ નિર્ણય લેવાયો છે. પૂર્વોત્તર રાજ્યોમાં કાયદેસર રહેતા ભારતીય નાગરિકોની પુષ્ટિ કરનારા NRCનો અંતિમ ડ્રાફટ 31 ઑગસ્ટના રોજ પ્રકાશિત થયો હતો.
NRCની અંતિમ યાદીમાં 19 લાખ અરજદારોના નામ શામેલ નથી કરાયા. આસામમાં શાંતિને કારણે ગૃહ મંત્રાલયે રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી. સમીક્ષા બાદ અર્ધસૈનિક દળોની 100 ટુકડીને તુરંત પ્રભાવથી પરત બોલાવવાનો નિર્ણય લેવાયો છે.
અર્ધસૈનિક દળોની 100 ટુકડીઓમાંથી 50 BSF, 10 CRPF, 16 ITBP અને 24 SSBની ટુકડીઓ છે. દળની એક ટુકડીમાં 100 જવાન હોય છે. આસામમાં તૈનાત કરાયેલા આ દળોને તેની સંબંધિત શિબિરોમાં પરત ફરવાના નિર્દેશ અપાયા છે.