Site icon Revoi.in

કેજરીવાલના મંત્રીનું નિવેદન: કન્ફ્યુઝ હતા મુસ્લિમ વોટર્સ, કોંગ્રેસને ગયા તેમના વોટ્સ

Social Share

દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ વોટર્સ કન્ફ્યુઝ (મૂંઝાયેલા) હોવાની વાત કરી છે. તેમણે કહ્યું કે દિલ્હીની તમામ સાત લોકસભા સીટ્સ પર આમ આદમી પાર્ટીને જીત મળવાની અપેક્ષા કરવામાં આવી રહી હતી, પરંતુ મુસ્લિમ વોટર્સે કન્ફ્યુઝનમાં મત આપ્યા, જેના કારણે કેટલાક વોટર્સ કોંગ્રેસ તરફ શિફ્ટ થયા.

આ ઉપરાંત રાજેન્દ્ર પાલ ગૌતમે આરોપ લગાવ્યો કે વોટિંગની બે રાત પહેલા ગરીબ વોટર્સને પૈસા વહેંચવામાં આવ્યા, જેના કારણે પણ વોટ ટ્રાન્સફર થયા છે. રાજેન્દ્ર પાલ ગૌતમ ઉત્તર-પૂર્વ દિલ્હીની સીમાપુરી વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની સાતેય લોકસભા સીટ્સ પર રવિવારે 12 મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન થયું હતું અને કુલ મતદાન 60.52 ટકા નોંધવામાં આવ્યું હતું. દિલ્હીની સાત લોકસભા સીટ્સમાંથી ઉત્તર-પૂર્વ દિલ્હી લોકસભા સીટ પર સૌથી વધુ વોટિંગ થયું હતું. અહીંયા 63.39 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ લોકસભા વિસ્તારમાં દિલ્હીની સૌથી વધુ મુસ્લિમ વસ્તી છે. અહીંયા આશરે 23 ટકા મુસ્લિમ છે, જેમાં સીલમપુર અને મુસ્તફાબાદ જેવા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો આવે છે. ઉત્તર-પૂર્વ દિલ્હી લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર શીલા દીક્ષિત, બીજેપી ઉમેદવાર મનોજ તિવારી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિલીપ પાંડેયની વચ્ચે સ્પર્ધા છે. ઉત્તર-પૂર્વીય દિલ્હી ઉપરાંત ચાંદનીચોક અને પૂર્વી દિલ્હી લોકસભા સીટ પર પણ મુસ્લિમ વોટર્સની સંખ્યા નિર્ણાયક છે.

ચૂંટણી પ્રચારમાં આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલ સતત વોટ ન વહેંચાવા દેવાની અપીલ કરી રહ્યા હતા. આપને એવી અપેક્ષા હતી કે બીજેપીના વિરોધમાં મુસ્લિમ સમાજના વોટ્સ તેને એકતરફી મળશે. પરંતુ વોટિંગ પછી ચર્ચા એ રહી કે કોંગ્રેસના હિસ્સે પણ મુસ્લિમ સમાજના વોટ્સ ગયા છે. આ ચર્ચાની હવે કેજરીવાલના મંત્રીએ પુષ્ટિ કરી દીધી છે અને કહ્યું છે કે મુસ્લિમ વોટર્સે કન્ફ્યુઝનમાં વોટિંગ કર્યું જેના કારણે કોંગ્રેસને પણ તેમના વોટ્સ ગયા.