Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયાની ચલણી નોટ જ નહીં, ટ્રમ્પના ટ્વિટથી લઈને હેરી પોટરના ટાઇટલમાં પણ થઈ ચૂકી છે ભૂલો

Social Share

ઓસ્ટ્રેલિયાની રિઝર્વ બેંકે 50 ડોલરની 4.6 કરોડ નોટમાં જોડણીની ભૂલો કરી. તેના કારણે આખી દુનિયામાં લોકો ઓસ્ટ્રેલિયાની સરકારી વ્યવસ્થાની મજાક ઉડાવી રહ્યા છે. હકીકતમાં નોટમાં છપાયેલા ‘રિસ્પોન્સિબિલિટી’ શબ્દમાં એક ‘I’ લખવાનો રહી ગયો છે. જોકે આ એવી એકમાત્ર ભૂલ નથી જેના પર વિવાદ થયો હોય. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિથી લઈને ‘ધ ગાર્ડિયન’ છાપું પણ મોટી ભૂલો કરી ચૂક્યું છે, જેની પાછળથી લોકોએ મજાક ઉડાડી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટમાં કરી હતી ભૂલ

31 મે, 2017ના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ કરી હતી. તેમાં તેમણે પ્રેસવાળાઓ પર નશાન સાધીને કોફેક (Covfefe) નામનો શબ્દ પણ જોડી દીધો. એક્સપર્ટ્સે આ શબ્દનો અર્થ શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ છેક સુધી કોઈને પણ ડિક્શનરીમાં તેનો અર્થ ન મળ્યો. એક્સપર્ટ્સનું કહેવું છે કે ટ્રમ્પ તે ટ્વિટમાં કોફેક નહીં પરંતુ કવરેજ લખવા માંગતા હતા, પરંતુ ટાઇપિંગની બૂલના કારણે ખોટો સ્પેલિંગ લખાઈ ગયો. ખાસ વાત એ છે કે તે છતાંપણ ટ્રમ્પે એક ટ્વિટમાં ફરીથી કોફેક લખ્યું અને લોકોને પૂછ્યું કે શું તેઓ આનો સાચો અર્થ શોધી શક્યા?

નાસાના ખોટા હાઇફનથી થયું હતું 129 કરોડ રૂપિયાનું નુકસાન

એક ટ્વિટમાં સ્પેલિંગ મિસ્ટેકની કોઈ ખાસ કિંમત નથી, પરંતુ જ્યારે મામલો સ્પેસ કાર્યક્રમનો હોય ત્યારે નાનકડી ભૂલ પણ ભારે પડી શકે છે. 22 જુલાઈ, 1962ના રોજ નાસાએ પોતાનું મેરાઇનર-1 સ્પેસક્રાફ્ટ લોન્ચ કર્યું. લોન્ચની માત્ર પાંચ મિનિટ પછી જ મિશન ફેઇલ થઈ ગયું હતું અને નાસાને આશરે 1.8 કરોડ ડોલરનું નુકસાન થયું. રિપોર્ટ્સ પ્રમાણે, આવું કોમ્પ્યુટર કોડિંગમાં એક હાઇફન (-) ન લગાવવાને કારણે થયું હતું. આ ભૂલનો ઉલ્લેખ રાઇટર આર્થર ક્લાર્કે પોતાના એક સાયન્સ ફિક્શનમાં પણ કર્યો હતો. તેનું ટાઇટલ હતું- ‘મેરાઇનર 1 જે ઇતિહાસના સૌથી મોંઘા હાઇફનના કારણે બરબાદ થઈ ગયો.’

હેરી પોટર સીરીઝની પહેલી નોવેલના શીર્ષકના સ્પેલિંગમાં પણ હતી ભૂલ

હેરી પોટર સીરીઝ બ્રિટિશ લેખિકા જે.કે. રોલિંગે લખી હતી. સામાન્ય રીતે અંગ્રેજોને વ્યાકરણમાં સારા માનવામાં આવે છે, પરંતુ રોલિંગે આ પુસ્તકમાં ઘણી ભૂલો કરી હતી. નવલકથાના શીર્ષકમાં તેમણે ફિલોસોફરનો સ્પેલિંગ ખોટો લખ્યો હતો. નવલકથાના કવરપેજ પર છેલ્લે તેમણે S પછી એક O છોડી દીધો હતો. તેના કારણે Philosopher શબ્દ Philospher થઈ ગયો હતો. જોકે, આ ભૂલ પણ તેમના માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ, કારણકે નોવેલના લોકપ્રિય થયા પછી આ પુસ્તકને હરાજીમાં આશરે 70 હજાર પાઉન્ડ (આશરે 63 લાખ રૂપિયા) મળ્યા હતા.

એક્ટ્રેસ એમા વોટ્સનનું ટેટુ

હેરી પોટર સીરીઝમાં હરમાયની ગ્રેન્જરનું કેરેક્ટર નિભાવી ચૂકેલી હોલિવુડની અભિનેત્રી એમા વોટ્સન ગયા વર્ષે મહિલાઓના અધિકાર માટે શરૂ કરવામાં આવેલા આંદોલન ટાઇમ્સ અપ (Time’s Up)ના સમર્થનમાં ઉતરી હતી. આ માટે તેણે એક ટેટુ પણ બનાવડાવ્યું હતું. જોકે આમાં તેનાથી એક એપોસ્ટ્રોફીની ભૂલ થઈ ગઈ હતી અને ‘Times Up’નું ટેટુ બની ગયું હતું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર એમાની જબરદસ્ત મજાક ઉડાવવામાં આવી હતી. યુએનના રાજદૂતે ટેટુ માટે ટ્વિટર પર લખ્યું, ‘ફેક ટેટુની બૂલો સુધારનારાઓ માટે અમારી પાસે પોસ્ટ ખાલી છે.’

ધ ગાર્ડિયન અને ન્યુયોર્ક ટાઇમ્સે પણ કરી છે ભૂલો

દુનિયાના સૌથી ચર્ચિત અખબારોમાંથી એક ન્યુયોર્ક ટાઇમ્સ પણ આવી ભૂલો કરી ચૂક્યું છે. 2014માં અખબારમાં છપાયેલી રાષ્ટ્રપતિ ઓબામાની ખબરમાં રિસ્પોન્સની જગ્યાએ રિપોન્સ છપાઈ ગયું. આ માટે લોકોએ અખબારની ઘણી મજાક ઉડાવી. યુકેનું જાણીતું અખબાર ધ ગાર્ડિયન (The Guardian) તો પોતાના નામમાં જ ગરબડ કરી ચૂક્યું છે. એકવાર તેમણે માસ્ટમાં પોતાનું નામ ગોર્ડિયન (Gaurdian) છાપી દીધું. તેના પર પણ લોકોએ ઘણી ચર્ચા કરી હતી.