કોંગ્રેસના ઉમેદવાર કીર્તિ આઝાદ બળબળતા તડકામાં ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. તે ઝારખંડની ધનબાદ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા કીર્તિ આઝાદ પોતાના પ્રચાર દરમિયાન એ વાતનો ઉલ્લેખ કરવાનું ભૂલ્યા નથી કે તેઓ 1983ની વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનો હિસ્સો અને વર્લ્ડકપને ભારતમાં લાવનારા પહેલા ઝારખંડી હતા. તેઓ એમ પણ કહે છે કે લોકોને લઘુત્તમ આવક સુનિશ્ચિત કરનારી કોંગ્રેસની ન્યાય યોજનાનો લાભ ઉઠાવીને તેમના રાજ્યના લોકો માછલી અને ભાતનો આનંદ ઉઠાવી શકશે. જો કે પ્રચાર દરમિયાન કીર્તિ આઝાદને એક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો. અહીં એક સ્થાનિક વ્યક્તિએ કીર્તિ આઝાદનો પીએમ મોદી અને સ્થાનિક સાંસદની ટીકા કરવાના મામલે વિરોધ કર્યો હતો.
પ્રચાર દરમિયાન કીર્તિ આઝાદ આ વિસ્તારની સબ્રા માર્કેટ વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીં સંબોધન કરતા કીર્તિ આઝાદે કહ્યુ છે કે તમારો આશિર્વાદ મળશે ને? મારો નંબર એક છે અને તા પર વોટ આપજો. બે નંબરના વ્યક્તિને વોટ આપતા નહીં. બાદમાં તેઓ સાંજે સાડા પાંચ વાગ્યે ચાસ બ્લોકના પોંડ્રૂ ગામ પહોંચ્યા હત. અહીં પણ કીર્તિએ 1983 વર્લ્ડકપ, માછલી-ભાત, મોદીના પંદર લાખના વાયદાનો ઉલ્લેખ કર્યો. તેમણે પોતાની વિરુદ્ધ ચૂંટણીમાં ઉતરેલા ભાજપના ઉમેદવાર પશુપતિનાથ સિંહ પર પણ શાબ્દિક હુમલા ચાલુ રાખ્યા હતા. જો કે એક સ્થાનિક વ્યક્તિએ કીર્તિ આઝાદની વાત કાપતા કહ્યુ છે કે મોદીએ અમારા માટે કામ કર્યુ છે, ઘણું બધું કર્યું છે અને અમારા સ્થાનિક સાંસદ અહીં આવે છે. તમે આવું કેમ બોલી રહ્યા છો? તેના સંદર્ભે આઝાદે કહ્યુ છે કે તેમણે ગામમાં કોઈ વિકાસ જોયો નથી અને તે વ્યક્તિ તર્ક વગર ચર્ચા કરી રહ્યા છે. જો કે આ હો-હલ્લા વચ્ચે આઝાદે પોતાનું ભાષણ ઝડપથી પૂર્ણ કર્યું અને અન્ય સ્થાન પર પ્રચાર કરવા માટે રવાના થયા હતા.
આ પહેલા આ મતવિસ્તારના લોકોને માછલી અને ભાતના લોભામણા સપના દેખાડતા કીર્તિ આઝાદે કહ્યુ હતુ કે કોંગ્રેસની સરકાર તમને લઘુત્તમ આવક યોજનામાં તમને 72 હજાર રૂપિયા વાર્ષિક આપશે. તમે દાળ, ભાત, શાકભાજી ખાઈ શકશો અને થોડો માછલી-ભાત પણ. અમને ખવડાવશો ને. અમે રોહુ,કાતલા,પોટિયા અને જંગલી માછલી પણ ખાઈએ છીએ અને અમને ઝાલ ખાવાની પણ પસંદ છે, ખવડાવશો ને?