1. Home
  2. revoinews
  3. દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચિન ગ્લેશિયર પર વર્ચસ્વનો જંગ, ઓપરેશન મેઘદૂત દ્વારા ભારતની જીત
દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચિન ગ્લેશિયર પર વર્ચસ્વનો જંગ, ઓપરેશન મેઘદૂત દ્વારા ભારતની જીત

દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચિન ગ્લેશિયર પર વર્ચસ્વનો જંગ, ઓપરેશન મેઘદૂત દ્વારા ભારતની જીત

0
  • સિયાચિનનું બિનલશ્કરીકરણ ભારત માટે રણનીતિક દ્રષ્ટિએ જોખમી
  • સિયાચિન પર પાકિસ્તાન અને ચીને જમાવ્યો છે પોતાનો ડોળો
  • 1984માં ભારતે ઓપરેશન મેઘદૂત થકી મેળવ્યું હતું વર્ચસ્વ

સિયાચિન ગ્લેશિયર ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવનો મોટો મુદ્દો રહ્યો છે. આ દુનિયાનું સૌથી ઉંચા રણક્ષેત્ર પર દબદબાનો જંગ છે. પાકિસ્તાને રણનીતિક દ્રષ્ટિથી મહત્વના આ વિસ્તાર પર કબજો જમાવવાની ઘણીવાર કોશિશ કરી, પરંતુ બર્ફીલા શિખરો પર સતર્ક ભારતીય સેનાના હાથે પાકિસ્તાનને ધૂળ ચાટવી પડી હતી. સિયાચિન ગ્લેશિયસ સૌથી દુર્ગમ સૈન્ય ક્ષેત્રોમાંથી એક છે. પાકિસ્તાન ચીનની સાથે મળીને રણનીતિક દ્રષ્ટિથી મહત્વના આ ક્ષેત્ર પર આધિપત્ય જમાવવાની ફિરાકમાં લાગેલુ રહ્યું છે. પરંતુ તેની આવી તમામ કોશિશો નાકામિયાબ રહી છે. આ ઊંચાઈવાળા વિસ્તારમાં હાજરીથી ભારતીય સેના પાકિસ્તાનની હરકતો પર નજર રાખી શકે છે.

સિયાચિનનો ઉત્તરીય ભાગ કારાકોરમ ભારતની પાસે છે. પશ્ચિમનો કેટલોક ભાગ પાકિસ્તાનની પાસે છે. સિયાચિનનો કેટલોક ભાગ ચીન પાસે પણ છે. અહીંથી લેહ, લડાખ અને ચીનના વિસ્તારો પર નજર રાખવામાં ભારતને મદદ મળે છે. ભારતે એનજે-982ના જે હિસ્સા પર નિયંત્રણ કર્યું છે, તેને સાલટોરો કહે છે. આ વોટરશેડ છે, એઠલે કે તેનાથી આગળ લડાઈ થશે નહીં.

ભૂતપૂર્વ રાજદૂત એન.એન.ઝાનું માનવું છે કે પાકિસ્તાનની છેતરપિંડીનો ઈતિહાસ ભારતને અહીં સૈન્ય હાજરી બનાવી રાખવા માટે મજબૂર કરે છે. 1999માં કારગીલ યુદ્ધ થયું હોત નહીં, તો વાત આગળ વધી શકતી હતી. જાણકારો માને છે કે કાશ્મીરમાં અનુચ્છેદ-370 સમાપ્ત કરાયા બાદ આ વિસ્તારનું મહત્વ બેહદ વધી ગયુ છે. આ ક્ષેત્રથી કેટલાક અંતરે આવેલા અક્સાઈચિન પર ચીને 1962માં ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો.

પાડોશીની નિયત ઠીક નથી

બંને દેશોએ ગોળાબીરથી વધારે હવામાનનો પ્રહાર સહન કરવો પડે છે અને તેના કારણે બંને દેશોના જવાનો જીવ ગુમાવતા રહે છે. અહીં દરરોજ લગભગ દશ કરોડ રૂપિયા ખર્ચાય છે. અબજો રૂપિયા શસ્ત્રસરંજામ પર ખર્ચ થઈ ચુક્યા છે. બંને દેશોની વચ્ચે ડઝનબંધથી વધારે વખત આ વિસ્તારને અસૈન્ય ક્ષેત્ર બનાવવાની વાતો થઈ ચુકી છે. જાણકારો પ્રમાણે, પાકિસ્તાન વાસ્તવિક સ્થિતિને સ્વીકારે અને લેખિત ભરોસો આપે, તો વાત આગળ વધી શકે તેમ છે. પરંતુ પાકિસ્તાનની મનસા શંકાસ્પદ છે.

દરરોજ કરોડો રૂપિયા ખર્ચે છે સરકાર

ભારત સિયાચિનની સુરક્ષા પર દરરોજ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. લોકસભામાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, 2012-13માં 2280 કરોડ, 2013-14માં 1919 કરોડ, 2014-15માં 2366 કરોડ અને નવેમ્બર-2018 સુધીમાં 938 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

પર્વતારોહણના બહાને પાકિસ્તાને શરૂ કર્યો હતો ખેલ

પાકિસ્તાને 70 અને 80ના દશકમાં પાકિસ્તાન તરફના છેડાથી સિયાચિન ક્ષેત્રના શિખરો પર ચઢાણ માટે ઘણાં વિદેશી અભિયાનોને મંજૂરી આપી હતી. 1978માં ભારતીય સેનાએ પણ ભારતીય નિયંત્રણવાળા ક્ષેત્રમાં પર્વતારોહી અભિયાનોને મંજૂરી આપી હતી. 1982માં જ ભારતીય સેનાએ પોતાના કેટલાક સૈનિકોને અંટાર્ટિકા મોકલીને તાલીમબદ્ધ કર્યા હતા. જેથી સિયાચિનના બર્ફીલા વાતાવરણમાં તેઓ પોતાને ઢાળી શકે.

કારગીલ યુદ્ધ દ્વારા નાપાક ષડયંત્ર

1984 બાદ પણ પાકિસ્તાને ઊંચા શિખરો પર કબજો કરવાનો અસફળ પ્રયાસ કર્યો હતો. સૌથી મોટો હુમલો જનરલ પરવેઝ મુશર્રફના નેતૃત્વમાં થયો હતો. જેમાં પાકિસ્તાનની હાર થઈ હતી. 1999ના કારગીલ યુદ્ધ પાછળ પણ આ કારણ હતું. પાકિસ્તાની સેના શ્રીનગરથી લેહને જોડતા હાઈવે પર કબજો કરવા ઈચ્છતી હતી. આ હાઈવે દ્વારા ભારતનો સિયાચિન સાથે સંપર્ક બને છે. 2003માં યુદ્ધવિરામ સમજૂતી થઈ, જે આજ સુધી લાગુ છે.

ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પર ભારત સતર્ક

કર્નલ એન. બુલ કુમારના નેતૃત્વમાં પહેલીવાર પર્વતારોહીઓ માટે રાશન સિયાચિન મોકલવામાં આવ્યું હતું. કર્નલ બુલ કુમારે જ ઈન્ટેલિજન્સ રિપોર્ટ આપ્યો કે સપ્ટેમ્બર-ઓક્ટોબર 1983માં પાકિસ્તાની સેનાએ અહીં ચઢાણનો પ્રયાસ કર્યો. ત્યારે સતર્ક ભારતે ખાસ પોષાકો માટે લંડન ખાતે સપ્લાયર્સને ઓર્ડર આપ્યો હતો. જાન્યુઆરી-1984માં જાણકારી મળી કે પાકિસ્તાને પણ આવો જ ઓર્ડર આપ્યો છે.

1984માં ઓપરેશન મેઘદૂત થયું શરૂ

સિયાચિન પર નિયંત્રણ માટે ભારતીય સેનાએ 198માં ગુપ્ત ઓપરેશન મેઘદૂત શરૂ કર્યું હતું. સેનાની એક ટુકડીને બર્ફીલા પાસને પાર મોકલવામાં આવી. બૈશાખીના દિવસે 13 એપ્રિલ-198ના રોજ બકાયદા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ હતા કે પાકિસ્તાન 17 એપ્રિલે ચઢાણ શરૂ કરશે. જ્યારે પાકિસ્તાની સેના ત્યાં પહોંચી તો ભારતીય સૈનિકોએ મુખ્ય બે શિખરો સર કરી લીધા હતા. બિલાફોંડ લા પર કબજો કરી લીધો હતો. 1987માં ત્રીજું શિખર ગ્યોંગ લા પણ નિયંત્રણમાં લઈ લેવામાં આવ્યું હતું.

વિવાદનું કારણ

એલઓસી-

વિભાજન બાદ બંને દેશો વચ્ચે ખેંચવામાં આવેલી એલઓસીનું આખરી બિંદુ એનજે-9842ને માનવામાં આવ્યું છે. બાદમાં પાકિસ્તાને એનજે-9842ની ઉપર સિયાચિનના અડધા વિસ્તાર પર હકનો દાવો કરવા લાગ્યું. તેમા તેણે આને કારાકોરમ પાસ સુધી ખેંચવાની માગણી કરી હતી.

સિંધુ જળ-

સિયાચિન આખા ભારતીય ઉપખંડમાં તાજા જળનો એકમાત્ર સ્ત્રોત છે. નુબ્રા ઘાટીમાંથી ગ્લેશિયર પિગળવાથી નુબ્રા નદી બને છે, તે આગળ જતા શ્યોક નદીને મળે છે. શ્યોક નદી આખરે સિંધુ નદીના તંત્રમાં મળે છે. સિંધુ નદી ભારત અને પાકિસ્તાન બંને માટે મહત્વપૂર્ણ છે. આ નદી લડાખમાં વહેતી પાકિસ્તાન સુધી પહોંચે છે.

કાશ્મીર મામલો-

કરાચી અને શિમલા સમજૂતીમાં માનવામાં આવ્યું છે કે એનજે-9842થી આગળ કારાકોરમ સુધીનો વિસ્તાર માણસોના વસવાટ માટે વ્યવહારીક નથી. કાશ્મીરનો એક હિસ્સો પાકિસ્તાને ગેરકાયદેસર રીતે પોતાના નિયંત્રણમાં લીધો હતો. તે ચાહે છે કે કારાકોરમ પાસ સુધી નિયંત્રણ રેખા ખેંચવામાં આવે, જેથી સિયાચિનનો એક હિસ્સો તેને મળી જાય.

વિશેષજ્ઞનો અભિપ્રાય-

ભારત માટે સિયાચિન ખાતે સતત સૈન્ય હાજરી જાળવી રાખવી જરૂરી છે. સિયાચિન ભારત માટે હાલના સમયે રણનીતિક દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે. તે ભારત, ચીન અને પાકિસ્તાનના ત્રિકોણીય સ્થાન પર છે. અહી પાકિસ્તાન હંમેશા કબજો કરીને ચીન સાથે પોતાનો સીધો સંપર્ક સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યું છે. ચીન અને પાકિસ્તાન બંને આ વિસ્તાર પર ડોળો જમાવીને બેઠા છે. માટે આપણા માટે સૈન્ય હાજરી જાળવી રાખવી માત્ર જરૂરી જ નથી, પણ તેની સાથે અહીં વિશેષ સાવધાની રાખવી પણ આવશ્યક છે. અહીં આપણે સામરીક દ્રષ્ટિએ એવી સ્થિતિ પર છીએ કે પાકિસ્તાનની કોઈપણ હરકતનો જડબાતોડ જવાબ આપી શકીએ છીએ. ચીન સાથે પાકિસ્તાનને કોઈપણ પ્રકારની મદદ આ વિસ્તારથી મળી શકે નહીં, તેના માટે ભારતનું પ્રભુત્વ જરૂરી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.