Site icon Revoi.in

આઝાદ ભારતનો પહેલો આતંકી નાથૂરામ ગોડસે હિંદુ હતો : કમલ હાસન

Social Share

ચેન્નઈ : લોકસભા ચૂંટણી વચ્ચે હિંદુ, હિંદુત્વ અને હિંદુ આતંકવાદના મુદ્દા પર ચાલી રહેલી મોટી ચર્ચા વચ્ચે વધુ એક નિવેદન સામે આવ્યું છે. જે આ ચર્ચાને નવી દિશા આપે તેવી શક્યતા છે. દક્ષિણ ભારતીય અને બોલીવુડ ફિલ્મના અભિનેતામાંથી હવે રાજનેતા બની ચુકેલા કમલ હાસને પોતાની એક જાહેરસભામાં કહ્યુ છે કે આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિંદુ જ હતો અને તે હતો નાથુરામ ગોડસે.

તમિલનાડુના ARIVAKURICHIમાં એક જાહેરસભાને સંબોધિત કરતા કમલ હાસને આ વાત જણાવી છે. તેમણે કહ્યુ છે કે અહીં મુસ્લિમો હાજર છે, તેટલા માટે હું આમ બોલી રહ્યો નથી. પરંતુ આઝાદ ભારતમાં પહેલો આતંકવાદી હિંદુ જ હતો, જે નાથૂરામ ગોડસે હતો.

મક્કલ નીધિ મિયામના પ્રમુખ કમલ હાસને કહ્યુ છે કે આની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. કમલ હાસન ARIVAKURICHIમાં થનારી પેટાચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. જે વખતે કમલ હાસાને આ નિવેદન આપ્યું ત્યારે તેમની પાર્ટીના ઉમેદવાર એસ. મોહનરાજ પણ હાજર હતા.

મહત્વપૂર્ણ છે કે આ ચૂંટણીમાં હિંદુ આતંકવાદનો મુદ્દો પોતાની ચરમસીમાએ છે. જ્યારે મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પથી માલેગાંવ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ભાજપની ટિકિટ પરથી ઉમેદવાર છે. ત્યારે વિપક્ષી પાર્ટીઓ તેના સંદર્ભે સવાલો ઉભા કરી રહી છે.

વિપક્ષો દ્વારા સવાલ ઉઠાવવા છતાં ભાજપે આ મુદ્દા પર આક્રમક વલણ અખત્યાર કરીને સાધ્વી પ્રજ્ઞાની સાથે અડિખમપણે ઉભા રહેવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહીત સમગ્ર ભાજપે આ મુદ્દા પર કોંગ્રેસને ઘેરી છે અને તેમના ઉપર હિંદુઓને અપમાનિત કરવાનો પણ આરોપ લગાવ્યો છે. રવિવારે જ ઈન્દૌરની જાહેરસભામાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે આ (કોંગ્રેસ) લોકોએ ભગવા પર આતંકવાદનો ડાઘ લગાવ્યો છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરનારા નાથૂરામ ગોડસે પર પણ વિવાદ થઈ રહ્યો છે. દેશના કેટલાક ભાગમાં નાથૂરામ ગોડસેના મંદિર પણ છે. જ્યાં તેની પૂજા થાય છે. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને આરએસએસ તથા ભાજપને નાથૂરામ ગોડસેની વિચારધારાવાળા ગણાવીને કથિતપણે ગાંધીજીની હત્યા માટે જવાબદાર ઠેરવવાની કોશિશ પણ કરી છે. આ મામલા પર આરએસએસ દ્વારા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ પણ કરવામાં આવ્યો છે.