Site icon Revoi.in

ત્રણ વર્ષની બાળકી સાથે કાશ્મીર ખીણમાં રેપ બાદ તણાવ, મહબૂબા મુફ્તિ બોલ્યા- રેપિસ્ટને પથ્થરથી મારી નાખો

Social Share

શ્રીનગર: થોડા દિવસ પહેલા જ ત્રણ વર્ષીય બાળકીએ ભણવાનું શરૂ કર્યું હતું. તેની સાથે ગામના ઘણાં અન્ય બાળકો પણ હતા. ત્યાંના શિક્ષકે પહેલા તેમને કક્કો-બારખડી શિખવાની ભલામણ કરી હતી. બુધવારે સાંજે જ્યારે તે મદરસાથી ઘરે પાછી ફરી તો તે પોતાના કાકાને શોધવા લાગી. તેની વચ્ચે નજીકની મસ્જિદમાંથી આજાનનો અવાજ આવવા લાગ્યો. રમઝાનના પવિત્ર માસમાં ઈફ્તારનો સમય ચાલી રહ્યો હતો. બાળકીના કાકા ઘરેથી નમાજ પઢવા માટે મસ્જિદમાં જઈ રહ્યા હતા. બાળકી પણ તેમની પાછળ જવા લાગી. મસ્જિદ પહોંચ્યા પછી કાકાએ પોતાની ભત્રીજીને ઘરે જવા માટે જણાવ્યું હતું. બાળકી ધીરેધીરે ઘર તરફ જવા લાગી હતી.

તે વખતે પાડોશમાં રહેતા એક યુવકની નજર માસૂમ બાળકી પર પડી હતી. તે ચ્યુઈગમ ખવડાવાના બહાને બાળકીને સરકારી સ્કૂલ લઈને ચાલ્યો ગયો હતો. તે સમયે આસપાસના મોટાભાગના લોકો મસ્જિદમાં નમાજ અદા કરી રહ્યા હતા અથવા તો તેઓ ઈફ્તારમાં વ્યસ્ત હતા.

અડધા કલાક બાદ પણ જ્યારે બાળકી ઘરે પાછી ફરી નહીં, તો તેની માતાને લાગ્યું કે કદાચ તે પોતાના કાકાની સાથે હશે, પરંતુ કેટલીક રાહ જોયા બાદ તે પોતાની પુત્રીને શોધવા માટે નીકળી હતી.

આની વચ્ચે સાંજ પડવા લાગી હતી. ત્યાં સુધી બાળકીના કાકા પણ મસ્જિદમાંથી નીકળી ગયા હતા. બાળકીની માતાને લાગ્યું કે કદાચ તેમની પુત્રી તળાવની આસપાસ ચાલી ગઈ હશે.

બાળકીની માતા ઉતાવળે સ્કૂલ પાસે પહોંચી. તેણે પોતાની પુત્રીને અવાજ લગાવ્યો અને પછી થોડાક જ સમય બાદ બાળકીના રડવાનો અવાજ સંભળાયો. માતાએ જોયું છે કે બાળકી ટોયલેટમાં હતી. તેના શરીર અને કપડા પર લોહીના નિશાન હતા. બાળકીની માતા પણ આવી હાલત જોઈને ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી. તે બાળકીને ઘરે લઈને આવી. ત્યાં સુધી બાળકાના પિતા પણ ઘરે આવી ચુક્યા હતા. બાળકીએ આખી ઘટનાનો ઉલ્લેખ કર્યો તો તેમને જાણકારી મળી કે તેની સાથે બળાત્કાર થયો છે.

બાદમાં બાળકીએ આરોપીને ઓળખી લીધો હતો. ગ્રામજનોને કહ્યુ હતુ કે તે નજીકના શહેર સુંબલમાં કાર મિકેનિક છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને તપાસ શરૂ કરી દીધી છે.

દુકાનદારે કહ્યુ છે કે આરોપીએ ચુઈંગમની સાથે શેમ્પૂ પણ ખરીદયું હતું. બાદમાં ઘટનાસ્થળેથી શેમ્પુનું પેકેટ પણ મળ્યું. તેવામાં કહેવાઈ રહ્યું છે કે કદાચ બળાત્કાર દરમિયાન શેમ્પુનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હશે.

બાળકી હજીપણ યોગ્ય રીતે ચાલી શકતી નથી. આ ઘટનાથી તે તૂટી ચુકી છે.

આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ વધી ગયો છે. દરેક તરફ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. લોકો આરોપીને ફાંસી આપવાની માગણી કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિએ ક્હ્યું છે કે તે શખ્સને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દેવો જોઈએ.

મહબૂબા મુફ્તિએ ટ્વિટર પર લખ્યું છે કે હું સુંબલમાં ત્રણ વર્ષની બાળકી સાથે બળાત્કારની ઘટના સાંભળીને સ્તબ્ધ છું. કોઈપણ પ્રકારની બીમાર માનસિકતાના લોકો આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. સમાજ મોટાભાગે આવી ઘટનાઓ માટે ઘણીવાર મહિલાઓને જવાબદાર ઠેરવે છે. પરંતુ શું આ હકીકતમાં આ માસૂમની ભૂલ હતી. આજે આવા સમયમાં શરિયાના કાયદા પ્રમાણે, આવો ગુનો કરનારાઓને પથ્થર મારીને મોતની સજા આપવી જોઈએ.