Site icon Revoi.in

લોકસભા ચૂંટણી 2019: બંગાળમાં TMC-BJPના 2 કાર્યકર્તાઓની હત્યા, ભારતી ઘોષની ગાડી પર થયો હુમલો

Social Share

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળની પણ 8 સીટ્સ પર આજે વોટિંગ છે, પરંતુ મતદાન શરૂ થતા પહેલા જ ચોંકાવનારી ખબરો આવી રહી છે. બંગાળના ઝારગ્રામમાં ભારતીય જનતા પાર્ટીનો બૂથ કાર્યકર્તા મૃત અવસ્થામાં મળી આવ્યો છે. મૃત વ્યક્તિનું નામ રામેન સિંહ જણાવવામાં આવી રહ્યું છે. BJPના કાર્યકર્તા ઉપરાંત એક ટીએમસીના કાર્યકર્તાનું શબ પણ મળી આવ્યું છે, જ્યારે 2 ટીએમસી કાર્યકર્તાઓને ગોળી મારવામાં આવી છે.

બંગાળમાં વોટિંગ થવાની સાથે-સાથે હિંસાનો દોર પણ સતત ચાલુ છે. મિદનાપુરમાં પણ 2 ટીએમસી કાર્યકર્તાઓને ગોળી મારી દેવામાં આવી છે. બંને કાર્યકર્તાઓને તમલુકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બેલ્દાના ટીએમસી કાર્યાલય પર પણ હુમલો કરવામાં આવ્યો છે. ટીએમસીનો આરોપ છે કે આ હુમલો બીજેપીએ કરાવડાવ્યો છે.

બંગાળના પૂર્વ બહુચર્ચિત આઇપીએસ ઓફિસર અને ઘાટલ સીટ પરથી બીજેપીના ઉમેદવાર ભારતી ઘોષે આરોપ લગાવ્યો છે કે ટીએમસી કાર્યકર્તાઓએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કેશપુરમાં ટીએમસી કાર્યકર્તાઓએએ તેમની સાથે ગેરવર્તન કર્યું. ટીએમસી કાર્યકર્તાઓએ ભારતી ઘોષની ગાડી પર પણ હુમલો કરી દીધો.

આજે ઝારગ્રામમાં પણ વોટિંગ થઇ રહ્યું છે. બીજેપીએ આરોપ લગાવ્યો છે કે રામેન સિંહની હત્યા કરવામાં આવી છે. તેમણે આ માટે ટીએમસીના કાર્યકર્તાઓને જવાબદાર ઠેરવ્યા છે. જોકે, સ્થાનિક પોલીસે તેનો ઇન્કાર કર્યો છે. પ્રાથમિક તપાસના આધારે પોલીસનું કહેવું છે કે રામેન સિંહ પહેલેથી જ બીમાર હતા અને તેમના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે.  

ઝારગ્રામ જિલ્લાના ચુનલોસે ગામમાં ગામવાળાઓને મોડી રાતે બીજેપી કાર્યકર્તાનું શબ મળી આવ્યું હતું. બીજેપીનો આરોપ છે કે તેમના કાર્યકર્તાની મારી-મારીને હત્યા કરવામાં આવી છે.

ઝારગ્રામમાં બીજેપી તો મરધારાના કાંઠીમાં ટીએમસી કાર્યકર્તાને મારવામાં આવ્યો છે. ટીએસીના સુધાકર મૈતી રવિવાર રાતથી જ ગાયબ હતા, પરંતુ પછીથી તેમનું શબ મળ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે મોડી રાતે તે કોઈ સંબંધીને મળવા જઈ રહ્યા હતા પરંતુ પાછા ફર્યા નહીં. જોકે, આ હત્યા ક્યારે, કેવી રીતે અને કોણે કરી તેની પૂછપરછ હજુ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના અત્યાર સુધીના દરેક ચરણમાં બંગાળથી હિંસાના સમાચાર આવ્યા છે. પછી તે કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી હોય કે પછી પોલિંગ બૂથ પર જ દેશી બોમ્બથી હુમલો કરવાનું હોય. બંગાળમાં પાંચ તબક્કા દરમિયાન હિંસા સતત વધતી ગઈ છે, પરંતુ દર વખતે વોટિંગની ટકાવારી પણ હંમેશા વધારે જ રહી છે.