Site icon Revoi.in

ફરીદાબાદ બૂથ કેપ્ચરિંગ કેસ: ECએ 19 મેએ ફરી મતદાન કરાવવા માટે આપ્યા આદેશ, પોલિંગ એજન્ટે જબરદસ્તી કરાવ્યા’તા વોટ

Social Share

હરિયાણાના ફરીદાબાદમાં એક બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો છે. અહીંના પલવલમાં એક મતદાન કેન્દ્ર પર વોટર્સને પ્રભાવિત કરવાની કોશિશ કરવાના આરોપમાં ભાજપના એક પોલિંગ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ભાજપ કાર્યકર્તાની ઘરપકડ થઈ. જોકે, ત્યારબાદ તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા. આ દરમિયાન, ચૂંટણીપંચે આ મતદાન કેન્દ્ર પર ફરીથી મતદાન કરાવવાનો આદેશ આપ્યો છે.

સોમવારે એક નિવેદન જાહેર કરીને પંચે કહ્યું, “સુપરવાઈઝર તરફથી કરવામાં આવેલી તપાસમાં ફરિયાદ સાચી હોવાનું જાણવા મળ્યું છે. એટલે પંચે આ મતદાન કેન્દ્ર પર 19 મેના રોજ નવેસરથી મતદાન કરાવવાના આદેશ આપ્યા છે.” આ ઘટના ફરીદાબાદ લોકસભા સીટ હેઠળ આવતા અસાવટી ગામમાં થઈ, જ્યાં 12 મેના રોજ મતદાન થયું હતું. ચૂંટણીપંચે આ સંબંધે અધ્યક્ષ અધિકારીને ફરજમાં ઢીલાશના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા અને તેમના વિરુદ્ધ ગુનાઇત કાર્યવાહી શરૂ કરવામાં આવશે. મતદાનની ગોપનીયતાના ઉલ્લંઘનના કારણે ફરીથી મતદાન કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

ચૂંટણીપંચે કહ્યું કે પોલિંગ એજન્ટ ગિરિરાજ સિંહ વિરુદ્ધ આઇપીસીની કલમ 171C, 188 તેમજ જનપ્રતિનિધિત્વ કાયદો 1951ની કલમ 135 હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. નિવેદન પ્રમાણે, અધ્યક્ષ અધિકારી અમિત અત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ ગુનાઇત કાર્યવાહી શરૂ કરવામાં આવશે. માઇક્રો ઓબ્ઝર્વર સોનલ ગુલાટીએ યોગ્ય રીતે ઘટનાનો રિપોર્ટ નથી આપ્યો, જેના કારણે તેમના પર ચૂંટણી સાથે સંકળાયેલું કોઇપણ કામ કરવા માટે ત્રણ વર્ષ સુધી રોક લગાવી દેવામાં આવી છે.

ઘટના પર તાત્કાલિક કાર્યવાહી નહીં કરવાને ગંભીરતાથી લઇને ફરીદાબાદ સંસદીય વિસ્તારના ચૂંટણી અધિકારીની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આઇએએસ અધિકારી અશોક કુમાર ગર્ગને ચૂંટણીપંચે ફરીદાબાદ લોકસભા વિસ્તારના નવા ચૂંટણી અધિકારી નિયુક્ત કર્યા છે. સોમવારે રાતે જાહેર કરાયેલા એક નિવેદનમાં ચૂંટણીપંચે કહ્યું, ‘તેમને કાલે (મંગળવાર) બપોર પહેલા કાર્યભાર સંભાળવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.’

ચૂંટણીપંચની ફરિયાદ પર પોલિંગ એજન્ટની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ તેમને જામીન મળી ગયા. વીડિયો ક્લિપમાં તેઓ ઇવીએમ પાસે ગયા અને ક્યાં તો તેમણે પોતે બટન દબાવ્યું અને નહીં તો ઓછામાં ઓછા 3 વોટર્સને તેમની કોઈ ખાસ પાર્ટીનું બટન દબાવવા માટે કહ્યું. આ વીડિયો વાયરલ થયા પછી ઘણા લોકોએ ચૂંટણીપંચને ટ્વિટર પર ટેગ કર્યા અને કાર્યવાહી કરવા માટે કહ્યું. ત્યારે ચૂંટણીપંચે તપાસ ગોઠવી.