1. Home
  2. revoinews
  3. પત્ની અપૂર્વાએ કેમ કરી પતિ રોહિત શેખર તિવારીની હત્યા? દિલ્હી પોલીસે જણાવી સમગ્ર વાત
પત્ની અપૂર્વાએ કેમ કરી પતિ રોહિત શેખર તિવારીની હત્યા? દિલ્હી પોલીસે જણાવી સમગ્ર વાત

પત્ની અપૂર્વાએ કેમ કરી પતિ રોહિત શેખર તિવારીની હત્યા? દિલ્હી પોલીસે જણાવી સમગ્ર વાત

0

દિલ્હી પોલીસે યુપી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહી ચૂકેલા નારાયણ દત્ત તિવારીના દીકરા રોહિત શેખરની હત્યાનું રહસ્ય ઉકેલી લીધું હોવાનો દાવો કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, રોહિત શેખરની પત્ની અપૂર્વાએ જ ઝઘડો થયા પછી ગળું દબાવીને તેની હત્યા કરી હતી. મંગળવારે સવારે પોલીસે અપૂર્વાની ધરપકડ કરી લીધી. ક્રાઇમ બ્રાંચે હત્યાનું રહસ્ય ઉકેલી લીધું હોવાનો દાવો કરીને જણાવ્યું કે પતિ-પત્ની વચ્ચે પરિણીત જીવનમાં ઘણો તણાવ હતો અને આ જ ગુસ્સામાં અપૂર્વાએ રોહિતની હત્યા કરી. હત્યા પછી પુરાવા ખતમ કરવાની અને ગેરમાર્ગે દોરવાની કોશિશ પણ કરવામાં આવી હતી. પોલીસે પૂછપરછ અને તપાસ પછી 15 અને 16 એપ્રિલની રાતે થયેલી રોહિતની હત્યાની સંપૂર્ણ કહાણી સામે રાખી.


દિલ્હી એડિશનલ CP (ક્રાઇમ) રાજીવ રંજન

દિલ્હી એડિશનલ CP (ક્રાઇમ) રાજીવ રંજને મીડિયાને જણાવ્યું કે, અમારી તપાસમાં નિઃશંકપણે એ સાબિત થઈ ગયું છે કે હત્યા અપૂર્વાએ જ કરી છે અને તેણે પોતાનો ગુનો કબૂલ્યો પણ છે. આ મામલે અન્ય કોઇ વ્યક્તિની સંડોવણીના પુરાવાઓ મળ્યા નથી.

ક્રાઈમ બ્રાંચની ટીમે જણાવ્યું, “રોહિત શેખરની હત્યાનું કોકડું સંપૂર્ણપણે ઉકલી ગયું છે. આ મહિનાની 16 તારીખે પોલીસને રોહિત શેખરના મોતની જાણકારી આપવામાં આવી. ત્યારબાદ તપાસ શરૂ થઈ જેમાં જાણ થઈ કે 10 એપ્રિલે રોહિત શેખર તેની માતા અને કેટલાંક સંબંધીઓ સાથે ઉત્તરાખંડના કાઠગોદામમાં વોટિંગ કરવા માટે ગયો હતો. 15 એપ્રિલે પાછો ફર્યો. પાછા ફરવા દરમિયાન આખા રસ્તે તે પોતાની મહિલા સંબંધી સાથે કારમાં દારૂ પીતો રહ્યો.”

પોલીસના જણાવ્યા પ્રમાણે, રાતે જમ્યા પછી તેની માતા અને સંબંધીઓ તેમના તિલક લેન બંગલામાં ચાલ્યા ગયા. તે પછી તેનો સાવકો ભાઈ પણ જતો રહ્યો અને ઘરના નોકરો પણ સૂવા માટે જતા રહ્યા. બીજા દિવસે સાંજે 4 વાગે એક નોકરે જોયું કે રોહિત શેખરના નાકમાંથી લોહી વહી રહ્યું છે અને તેનામાં કોઈ હરકત નથી. તેને તાત્કાલિક મેક્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો હોવાનો દાવો કરીને ક્રાઈમ બ્રાંચે કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે મોઢું-હાથ અને ગળું દબાવવાને કારણે મોત થયું. અમારી ટીમે 4 દિવસ સુધી ખૂબ મહેનત કરી અને હાજર તમામ લોકોની વારંવાર પૂછપરછ કરવામાં આવી. આખરે તપાસમાં એ સ્પષ્ટ થઈ ગયું કે રોહિતની પત્ની અપૂર્વા તિવારીએ જ મોઢું-હાથ દબાવીને, ગળું રૂંધીને તેની હત્યા કરી નાખી.

સાંજે 4 વાગ્યા સુધી કોઈએ પણ રોહિતને કેમ ન ઉઠાવ્યોના સવાલ પર ક્રાઇમ બ્રાંચે કહ્યું કે અત્યાર સુધીની તપાસમાં એટલી જ જાણ થઈ છે કે બંનેના લગ્નમાં ઘણો તણાવ હતો. ઉત્તરાખંડથી પાછા ફરતી વખતે પણ તે એક મહિલા સંબંધી સાથે દારૂ પી રહ્યો હતો અને તેનું કારણ એ હતું કે અપૂર્વા અને રોહિત વચ્ચે ઘણો ઝઘડો થયો હતો. આ જ કારણે તેમની હત્યા રાતે 1 વાગે થઈ. રોહિતને ઇન્સોમ્નિયા હતો અને તે કેટલીયવાર મોડે સુધી જાગતો રહોતો હતો. તે મોડે સુધી સૂતો રહેતો હોવાને કારણે ઘરમાં હાજર લોકોને તેના નહીં ઉઠવા અંગે વધુ શંકા ન થઈ.

હત્યાના કારણ અંગે પોલીસનો દાવો છે કે અપૂર્વાએ આ પહેલાથી પ્લાન નહોતું કર્યું. તપાસ ટીમનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસથી એવું લાગી રહ્યું છે કે હત્યાની યોજના પહેલાથી નહીં બનાવવામાં આવી હોય, પરંતુ તેમના લગ્નમાં ઘણી મુશ્કેલીઓ હતી.

રોહિત શેખર અને તેનો પરિવાર છૂટાછેડા અંગે વિચારી રહ્યા હતા. પ્રોપર્ટીનો પણ એક એંગલ છે કારણકે ડિફેન્સ કોલોનીનું ઘર રોહિત અને તેના સાવકા ભાઈને જ મળવાનું હતું. અપૂર્વાનો તેમાં કોઈ હિસ્સો ન હતો.

રોહિત શેખરની હત્યાના મામલે પત્ની અપૂર્વાને દિલ્હી ક્રાઇમ બ્રાંચે આજે સવારે જ અરેસ્ટ કરી છે. અપૂર્વા વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા પછી પોલીસે તેની ધરપકડ કરી. હત્યાવાળી રાતે રોહિત અને અપૂર્વા વચ્ચે ઝઘડો થયો હતો. પુરાવાઓ ખતમ કરવા માટે અપૂર્વાએ મોબાઈલને ફોર્મેટ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલના રોજ રોહિત પોતાના બંગલાના રૂમમાં મૃત હાલતમાં મળ્યો હતો. પોલીસે હત્યાની પુષ્ટિ થયા પછી ઘણા કલાકો સુધી અપૂર્વાની પૂછપરછ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.