Site icon Revoi.in

મોદીને ‘નીચ માણસ’ કહેવાના પોતાના નિવેદનને મણિશંકર ઐયરે યોગ્ય ઠેરવતા લખ્યો લેખ, કહ્યું- સાચી ભવિષ્યવાણી કરેલી

Social Share

કોંગ્રેસ નેતા મણિશંકર ઐયર એકવાર ફરી ચર્ચામાં છે. તેમણે 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે આપેલા પોતાના એક વિવાદાસ્પદ નિવેદન ‘નીચ માણસ’ને યોગ્ય ઠેરવતો એક લેખ લખ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ઐયરના આ નિવેદન પર ઘણો વિવાદ થયો હતો.

2017માં મીડિયા સાથે વાત કરીને મણિશંકર ઐયરે પીએમ મોદી માટે ‘નીચ માણસ’ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તે સમયે બીજેપી સહિત ઘણા દળોએ તેની અતિશય ટીકા કરી હતી અને મણિશંકર ઐયરે આ માટે માફી પણ માંગી હતી. પરંતુ, તાજેતરમાં જ છપાયેલા એક લેખમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાલની રેલીઓમાં આપેલા નિવેદનોનો હવાલો આપીને કહ્યું, ‘યાદ છે 2017માં મેં મોદીને શું કહ્યું હતું? શું મેં સાચી ભવિષ્યવાણી નહોતી કરી?’

પોતાના આ લેખમાં તેમણે મોદીની રેલીઓ અને ઇન્ટરવ્યુમાં આપવામાં આવેલા નિવેદનોનો ઉલ્લેખ કર્યો છે. મોદીની શૈક્ષણિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરીને અય્યરે ભગવાન ગણેશની પ્લાસ્ટિક સર્જરી અને ઉડનખટોલાઓને પ્રાચીન વિમાન ગણાવતા તેમના નિવેદનોને અજ્ઞાનતાભર્યા દાવા કહ્યા. આ ઉપરાંત અય્યરે એ ઇન્ટરવ્યુનો પણ ઉલ્લેખ કર્યો જેમાં મોદીએ બાલાકોટ હુમલાના સમયે વાદળોની આડનો ફાયદો ઉઠાવવાની વાત કરી હતી.

પોતાના લેખમાં ઐય્યરે મોદીના તે નિવેદનની પણ ટીકા કરી જેમાં મોદીએ કહ્યું હતું કે ડિસેમ્બર 1987માં રાજીવ ગાંધી આઇએનએસ વિરાટને પર્સનલ ટેક્સીની જેમ વાપરીને લક્ષદ્વીપ લઈ ગયા હતા. ત્યારબાદ ઐય્યરે લખ્યું છે- ‘યાદ છે 2017માં મેં મોદી વિશે શું કહ્યું હતું? શું મેં સાચી ભવિષ્યવાણી નહોતી કરી?’

ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગત રવિવારે વિવાદાસ્પદ નિવેદન આપતા કહેલું કે જો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 40થી ઓછી સીટ્સ મળવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આકલન ખોટું સાબિત થયું તો શું તેઓ દિલ્હીના વિજયચોકમાં ફાંસી લગાવી દેશે? ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ શોભા કરંદલાજેએ મલ્લિકાર્જુન ખડગેને આ નિવેદન પર માફી માંગવા જણાવ્યું અને કહ્યું કે આટલા વરિષ્ઠ નેતા પાસે તેમને આ પ્રકારના નિવેદનની અપેક્ષા નહોતી.