
શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સમાં 504 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 1.93 લાખ કરોડ રૂપિયા ડુબ્યા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્વ મહાભિયોગની પ્રક્રિયા શરૂ થવાની ખબર અને ગ્રોથની ચિંતાની વ્યાપક અસર ભારતીય શેરબજારમાં જોવા મળી હતી. શેરબજારમાં મોટી વેચવાલી જોવા મળી હતી. સંપૂર્ણ દિવસ દરમિયાન સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા. કારોબારના અંતે સેન્સેક્સ 503.62 અર્થાત 1.269% તૂટીને 38,593.52 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 148 પોઇન્ટ ઘટીને 11,440.40 ની સપાટીએ બંધ થયો હતો. આજે કારોબાર દરમિયાન આઇટીને છોડીને દરેક સેક્ટરોમાં વેચવાલી જોવા મળી હતી. બજારમાં કડાકાને કારણે રોકાણકારોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું.
બુધવારે બજારમાં કડાકાને કારણે રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. રોકાણકારોને કુલ 1.94 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. મંગળવારે બીએસઇ પર લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ કેપ 1,48,73,247.18 કરોડ રૂપિયા હતું, જે આજે 1,93,765.86 કરોડ રૂપિયાના ઘટાડા સાથે 1,46,79,451.32 કરોડ રૂપિયા નોંધાયું હતું.
સેન્સેક્સમાં કડાકાનું કારણ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્વ મહાભિયોગની ઔપચારિક પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ટ્રમ્પ પર બંધારણીય શક્તિઓના દૂરુપયોગનો આરોપ છે. જો કે ટ્રમ્પે આ આરોપો ફગાવ્યા છે. ડેમોક્રેટ્સે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી છે. તેના પર ડેમોક્રેટ્સ નેન્સી પલોસીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિની જવાબદારી નક્કી હોવી જોઇએ. કોઇપણ કાનૂનથી ઉપર નથી. આ ખબરની અસર ગ્લોબલ માર્કેટ પર પડી હતી. ગ્લોબલ માર્કેટમાં મંદીની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી.