
સાઉદી સંકટની ભારતીય શેરબજાર પર અસર, સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો
શેરબજારની શરૂઆત સોમવારે ઘટાડા સાથે થઇ હતી. સાઉદી અરબમાં અરામકોના તેલ ફેક્ટરીઓમાં થયેલા ડ્રોન હુમલાથી ક્રૂડ ઓઇલની કિંમતો આસમાને પહોંચી છે અને તેની અસર દુનિયાભરના બજારો પર જોવા મળી છે. આ જ કારણોસર ભારતમાં પણ ક્રૂડ કંપનીઓના શેર્સ પર દબાણ જોવા મળ્યું છે.
BSE સેન્સેક્સ સોમવારે 176 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યું હતું અને થોડીકવાર જ કારોબાર દરમિયાન તે 200 પોઇન્ટ સુધી સરકી ગયું હતું. નિફ્ટી પણ 60.90 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યું હતું અને 11,000ની આસપાસ કારોબાર કરી રહ્યું હતું.
સેન્સેક્સ 176.72 પોઇન્ટ ઘટીને 37,208.27 પર ખુલ્યુ, નિફ્ટી 60.90 અંકના ઘટાડા સાથે 11,015 પર ખુલ્યું હતું. શરૂઆતી કારોબાર દરમિયાન અંદાજે 332 શેર્સમાં તેજી અને 502 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. રૂપિયો પણ શુક્રવારની સરખામણીએ 70 પૈસા તૂટીને 71.62 પ્રતિ ડૉલર ખુલ્યો હતો. શુક્રવારે રૂપિયો 70.92 પર બંધ થયો હતો.
શેર્સ વિશે વાત કરીએ તો ખાસ કરીને ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, હુડકો, બીઇએલ, ONGC અને ગેલમાં તેજી જોવા મળી હતી. જ્યારે બીપીસીએલ, આઇઓસી, એચપીસીએલ, એશિયન પેંટ્સ, યસ બેંક, આરઆઇએલ, યૂપીએલ, તાતા મોટર્સ નુકસાનમાં રહ્યા હતા.