
• રિઝર્વ બેંકની શુક્રવારે મોનેટરી પૉલિસીની બેઠક યોજાઇ
• વ્યાજદરોમાં સતત પાંચમી વાર કરાયો ઘટાડો
• RBI એ વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ વ્યાજદરોમાં 0.25 ટકાનો કાપ મુકીને લોકોને દિવાળીની ભેટ આપી છે. રિઝર્વ બેંકની શુક્રવારે MPC બેઠક યોજાઇ હતી. તેમાં રેપો રેટમાં 0.25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. રેપો રેટ ઘટ્યા બાદ બેંક પણ વ્યાજદરોમાં ઘટાડો કરશે અને તેનાથી હોમ અને ઑટો લોન સસ્તી થવાનો સીધો જ ફાયદો હજારો લોનધારકોને થશે. ગ્રાહકો ઓછા ઇએમઆઇ પર ઘર તેમજ વાહનોની ખરીદી કરી શકશે.
આ સાથે જ આ વર્ષે વ્યાજદરોમાં અત્યારસુધી 1.35 ટકાનો ઘટાડો કરાયો છે. રેપો રેટ ઘટીને હવે 5.15 ટકા થઇ ચૂક્યો છે. આશા છે કે બેંકો દિવાળી પહેલા તેનો લાભ તેના ગ્રાહકો સુધી પહોંચાડશે. તે ઉપરાંત રિવર્સ રેપો રેટ પણ ઘટાડીને 4.90 ટકા કરાયો છે.
આગળ પણ મળી શકે છે રાહત
રિઝર્વ બેંકે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી ગ્રોથમાં સુધારો ના આવે ત્યાં સુધી રાહત આપનારા પગલા લેવાય તે આવશ્યક છે. પરંતુ તે માટે મોંઘવારીને પણ ધ્યાનમાં રાખવી પડશે. નોંધનીય છે કે રિઝર્વ બેંકે મધ્યમ અવધિના કન્ઝ્યૂમર પ્રાઇઝ આધારિત મોંઘવારી 4 ટકા રાખવાનું લક્ષ્ય રાખ્યું છે.
અત્યારસુધીના ઇતિહાસમાં 4.75 ટકા રેપો રેટનું સૌથી નીચલું સ્તર રહ્યું છે. તો શું હવે રિઝર્વ બેંક તેનાથી પણ નીચે જશે. તેના જવાબમાં રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે અત્યારે તેના પર કશુ કહી ના શકાય, પરંતુ જરૂર પડે આરબીઆઇ પગલાં ભરશે.
તમારા ઇએમઆઇમાં આટલો ફરક પડશે
ધારો કે રેપો રેટમાં કાપ બાદ કોઇ બેંક હોમ લોનના વ્યાજદરોમાં 0.25 ટકાનો કાપ મુકે છે તો તેનાથી 25 લાખ રૂપિયા સુધીની 20 વર્ષની લોનની ઇએમઆઇ દર મહિને અંદાજે 400 રૂપિયા ઘટી જશે. જો તમે 25 લાખ રૂપિયા સુધીની હોમ લોન 20 વર્ષ માટે લીધી છે અને વ્યાજદર 8.35 ટકા સુધી છે, તો અત્યારે તમારો દર મહિને કપાતો ઇએમઆઇ 21,459 રૂપિયા થઇ જશે. પરંતુ જો વ્યાજદર ઘટીને 8.10 ટકા થશે તો હોમ લોન પર વ્યાજદર પ્રમાણે તે રકમ 21,067 રૂપિયા થઇ જશે.
શું હોય છે રેપો રેટ
રેપો રેટ એ દર છે જેના પર બેંક આરબીઆઇ પાસેથી લોન લે છે, એટલે કે બેંકો માટે ફંડનો ખર્ચ થાય છે. આ ખર્ચ ઘટવા પર બેંક પોતાના લોનના વ્યાજદરો પણ ઓછા કરે છે. આ વર્ષે અત્યારસુધી આરબીઆઇએ રેપો રેટમાં 1.35 ટકા સુધી કાપ મુક્યો છે.
શું કારણથી કાપ મુકાયો
અગાઉ પણ RBI એ ઑગસ્ટ માસમાં વ્યાજદરોમાં ચોથી વાર ઘટાડો કર્યો હતો. આ વચ્ચે આર્થિક પરિસ્થિતિમાં ફેરફાર થયો છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ ઘટીને 5 ટકા રહ્યો છે, જેના પર RBI ગવર્નર શક્તિકાંત દાસે પણ અચરજ પામ્યા હતા. ત્યારબાદ સરકારે ત્વરિત રીતે કૉર્પોરેટ ટેક્સમાં કાપ મુક્યો હતો. તે ઉપરાંત પીએમસી બેંક સંકટથી નાણાકીય પ્રણાલીની અનિશ્વિતતા વધી હતી.
આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ ઘટીને 5 ટકા થયો હતો અને પૂરા નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી ગ્રોથ 6.8 ટકા જ રહ્યો છે. રિઝર્વ બેંકે પહેલા ત્રિમાસિક ગાળામાં ગ્રોથ રેટ 5.8 ટકા રહેવાનું અનુમાન લગાડ્યું હતું. પરંતુ આ અનુમાન ખોટું સાબિત થયું હતું.