
ઑટો સેક્ટરમાં કોઇ મંદી નથી, સરકારથી રાહત પેકેજ મેળવવા માંગે છે ઑટો ઇન્ડસ્ટ્રી: CAIT
દેશમાં દરેક જગ્યાએ ઑટો સેક્ટરમાં જોવા મળી રહેલી મંદીની ચર્ચા ચાલી રહી છે તેમજ અનેક મોટી કંપનીઓએ તેના ઉત્પાદન પર રોક લગાવી છે ત્યારે ટ્રેડર્સ બૉડી સીએઆઇટીએ મંગળવારે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે ઘરેલુ ઑટોમોબાઇલ સેક્ટરમાં કોઇ મંદી નથી. ઑટો સેક્ટર માત્ર સરકાર પાસેથી પેકેજ મેળવવા માટે જ આ નાટક કરી રહી છે. ઑટો ઇન્ડસ્ટ્રીમાં આવેલી આર્થિક મંદીનું કારણ વધુ જીએસટી દરો, કૃષિ સંકટ અને રોકડની અછત છે.
ઑટો સેક્ટરમાં કોઇ મંદી નથી
કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ઘરેલુ ઑટો સેક્ટરમાં કોઇ મંદી નથી. આ કંપનીઓ સરકાર પાસેથી પેકેજ મેળવવા માટે આવું કરી રહી છે. નવા વાહન લૉન્ચનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે કંપનીઓને ભારે સંખ્યામાં બૂકિંગ મળી રહ્યું છે, જે દર્શાવે છે કે આ સેક્ટરમાં કોઇ મંદી નથી.
તે ઉપરાંત અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વૈશ્વિક ઇ-કોર્મસ કંપનીઓ દ્વારા તહેવારમાં વેચાણ અંગે વાત કરતા કહ્યું હતું કે આ મેગા વેચાણ પર પ્રતિબંધ માટે સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
તેમણે દાવો કર્યો હતો કે આ પ્રકારની ઇ-કૉમર્સ કંપનીઓ પ્રત્યક્ષ વિદેશી રોકાણના નિયમોનું ઉલ્લંઘન કરે છે. જો સરકાર કાર્યવાહી નહીં કરો તો અમે કોર્ટના દ્વાર ખખડાવીશું. આ કંપનીઓને માત્ર B 2 B કારોબાર માટે અનુમતિ મળી હોવા છતાં તેઓ મોટી જાહેરાતોમાં શામેલ હોય છે.