Site icon Revoi.in

અભદ્ર પોસ્ટર વિવાદ: મહિલા પંચ પહોંચ્યા આતિશી, ગૌતમ ગંભીરના ટેકામાં આવ્યા હરભજન સિંહ

Social Share

નવી દિલ્હી: પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર પર અભદ્ર પોસ્ટર વહેંચવાનો આરોપ લગાવનારા આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાએ આ મામલામાં દિલ્હી મહિલા પંચમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ પણ ગૌતમ ગંભીર વિરુદ્ધ બદનક્ષીનો કેસ નોંધાવાની વાત કહી છે. આ આરોપ અને પ્રત્યારોપ વચ્ચે ગંભીરના ટીમમેટ રહેલા હરભજનસિંહ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટ્સમેનના તરફેણમાં ખુલીને સામે આવ્યા છે.

દિગ્ગજ ઓફ સ્પિનર હરભજનસિંહે આજે ટ્વિટ કરીને કહ્યુ છે કે હું કાલે (ગુરુવારે) ગૌતમ ગંભીર સાથે જોડાયેલા એક મામલાને સાંભળીને સ્તબ્ધ છું. હું તેને ખૂબ સારી રીતે જાણું છું. તે ક્યારેય કોઈ મહિલાની વિરુદ્ધ ખોટું બોલી શકે નહીં. તે જીતે અથવા હારે તે અલગ મામલો છે. પરંતુ આ વ્યક્તિ આ તમામથી ઉપર છે.

પૂર્વ દિલ્હીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી માર્લેનાએ દિલ્હી મહિલા પંચમાં જઈને ગૌતમ ગંભીરને ફરિયાદ કરી છે. બપોરે 12 વાગ્યાની આસપાસ દિલ્હી મહિલા પંચના ચીફ સ્વાતિ માલીવાલે ગંભીરની વિરુદ્ધ ફરિયાદ પત્રની સોંપણી કરી છે.

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ કહ્યુ છે કે અમારી વિરુદ્ધ અભદ્ર પોસ્ટર વહેંચવામાં આવી રહ્યા છે અને તે (ભાજપ) કહી રહ્યા છે કે તેઓ અમારી વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કરશે? અમે આજે તેમને બદનક્ષીની નોટિસ મોકલવા માટે આવી રહ્યા છીએ.

ગુરુવારે આતિશી માર્લેના અને મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી આતિશીની વિરુદ્ધ પોસ્ટર વહેંચવાનો આરોપ ગંભીર પર લગાવ્યો હતો. આ પોસ્ટરો સંદર્ભે ઉલ્લેખ કરતા આતિશી ભાવુક થઈને રડવા પણ લાગ્યા હતા.

જો કે ગૌતમ ગંભીરે પણ આના પર તીખી પ્રતિક્રિયા આપતા ઘણાં ટ્વિટ કર્યા હતા. ગંભીરે કહ્યુ હતુ કે જો તેમની વિરુદ્ધ આરોપો સાબિત થશે, તો તે રાજનીતિ છોડી દેશે. ગુસ્સે ભરાયેલા ગૌતમ ગંભીરે આમ આદમી પાર્ટીને આરોપો સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો. તેમણે સીધો અરવિંદ કેજરીવાલ પર શાબ્દિક હુમલો કરતા ટ્વિટ કર્યું હતું કે અરવિંદ કેજરીવાલ, હું એક મહિલાની પ્રાઈવસી સાથે રમત કરવાને લઈને તમારા કૃત્યની નિંદા કરું છું. તે પણ એવી મહિલા જે તમારી સાથી છે અને તે પણ ચૂંટણી જીતવા માટે? ગૌતમ ગંભીરે લખ્યુ હતુ કે તમારા દિમાગમાં ગંદગી ભરાઈ ગઈ છે. જરૂરત એ છે કે કોઈ તમારા જ જાડુંથી તમારા ગંદા દિમાગની સફાઈ કરવાનું કામ કરે.