સુરતઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. ત્યારે સુરત જિલ્લાના માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાના 50 ગામો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. જો કે, 2006માં કરોડો રૂપિયાના ખર્ચે બોરસદ દેગડીયા પાણી પુરવઠા જૂથ યોજના કાર્યરત કરાઈ હતી. પરંતુ આ યોજના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતા આ વિસ્તારમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે.
સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકાના આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની ગઈ છે. એક તરફ રાજ્ય સરકાર વિવિધ યોજના હેઠળ ગામે-ગામ હેન્ડપંપ, અંદર ગ્રાઉન્ડ ટાંકી, શ્રમ તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા વિવિધ યોજના પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવા પછી પણ ટ્રાયબલ તાલુકાના અસંખ્ય ગામોમાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે.
રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા 2005-06માં સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકાના માંડવી, ઉમરપાડા, માંગરોળ જેવા વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે બોરસદ દેગડીયા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ બે ભાગમાં યોજનાનું અમલમાં મુકવામાં આવી છે. જેમાં પ્રથમ ભાગમાં માંડવીમાં 23, માંગરોળમાં 23 અને ઉમરપાડામાં 2 ગામો મળી 48 ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું. આ યોજના માથાદીઠ રોજ 60 લીટર પાણી મળી રહે અને આ યોજના 2034 સુધી પાણી પહોંચાડવાની વાત હતી. પરંતુ માત્ર જાહેરાત માત્ર કાગળ પર જ રહી હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં 48 ગામમાંથી માંડ 10થી 12 ગામમાં પાણી પહોંચાડવામાં તંત્ર સફળ રહ્યું છે. બાકીના ગામો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.
માંડવી તાલુકાના બોરીગલા ગામ નજીક આવેલ કાકરાપાર નહેરમાંથી પાણી બોરસદ ગામના તળાવમાં લાવવામાં આવે છે. રતોલાં ગામે 9.43 એલ.એમ.ડી સમતાનાં ફિલ્ટર પ્લાન્ટ દ્વારા પાણી ફિલ્ટર કરી માંડવી તાલુકાના 23, માંગરોળના 23 અને ઉમરપાડા તાલુકાના 2 ગામ મળી 48 જેટલા ગામોમાં પાણી પહોંચાડવાની યોજના હતી. જયારે બીજા ફેસમાં 18 ગામો જેમાં માંગરોળના વધુ પાંચ ગામો જેને શાહ ગામ નજીક મુખ્ય પાઇપલાઇનમાંથી પાણી પહોંચાડવાનું હતું. આ યોજના પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે ગામડાઓ સુધી પહોંચી શકી નથી. માંડવી, ઉમરપાડા અને માંગરોળ તાલુકાના 66 જેટલા ગામોમાં પીવાનું પાણી મળે એવા હેતુથી સરકારે આ યોજના 2005-06 કાર્યરત કરાવી હતી. પરંતુ આજે 14 વર્ષના બાદ પણ ગામડાના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.