Site icon Revoi.in

વડોદરામાં મહિસાગર નદીના જળસ્તરમાં ચિંતાજનક ઘટાડોઃ ખેડૂતો ચિંતામાં ગરકાવ

Social Share

વડોદરાઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. ત્યારે મહિસાગર નદીના સ્તરમાં સતત ઘટાડો થતા ખેડૂતો અને પશુપાલકો ચિંતિત બન્યા છે. નદી પાણીના અભાવે મેદાનમાં ફેરવાઈ ગઈ હોવાથી આસપાસના વિસ્તારમાં જળ સમસ્યા વધુ ઘેરી બની છે. બીજી તરફ ખેડૂતઓ નદીમાં પાણી છોડવાની માંગણી કરીને આ મુદ્દે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે ઓળખાતી મહિસાગર નદીનું જળસ્તર ખૂબ ઘટી જવાથી બે હજાર પશુપાલકો અને 400 વિઘા જમીનના ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. નદી વિસ્તારના ગામડાઓ નદીના પાણીનો પીવામાં ઉપયોગ કરે છે, પરંતુ હવે નદીમાં પાણી ન હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી નદીનું જળસ્તર ખૂબ નીચું જવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો પોતાની ખેતી કરવા માટે આ નદીના પાણીનો ઉપયોગ કરે છે. પરંતુ દિવસે દિવસે નદીના જળસ્તરમાં બહોળા પ્રમાણમાં ઘટાડો થતા ખેડૂતોને તેમના ઉભા પાકની ચિંતા સતાવી રહી છે, જેથી તેમને નુકશાન પણ થઈ રહ્યું છે. ઉનાળામાં કરેલી બાજરીનો પાક ઉભો નિષ્ફળ થઈ રહ્યો છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર, દાયકામાં પહેલી વાર નદીના જળસ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. આખે આખી નદી એક રણની જેમ સૂકી ભટ્ટ થઈ જઈ રહી છે. નદીમાં પાણી માત્ર એક રેલા સમાન વહી રહ્યું છે. જેના કારણે આ વિસ્તારના 2000 જેટલા પશુપાલકોને પશુઓને પાણી પીવડાવવા મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને પગલે 400 વીઘાથી વધુ જમીનમાં ખેતી કરતા ખેડૂતો મહીસાગર નદી ખાતે એકત્રિત થયા હતા અને ભેગા મળીને સમસ્યાનો ઉકેલ આવે અને તંત્ર વહેલી તકે નદીમાં પાણી છોડે તેવી માંગ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહિ આવે તો તેમણે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ઉલ્લેખનીય છે કે, મહીસાગર નદી પ્રત્યે આસપાસના વિસ્તારના લોકોની મોટી આસ્થા રહેલી છે. અનેક ધાર્મિક પ્રસંગોમાં લોકો અહી પૂજા કરવા આવે છે. અમાસ દરમિયાન નદીમાં આવતી ભરતીના કારણે નદીમાં ખારું પાણી આવવાથી તે પણ પાણી ઉપયોગમાં લઇ શકાય તેમ નથી.