Site icon Revoi.in

મહેસાણામાં યુવતીએ ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા નાણાં

Social Share

મહેસાણાઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બિલ્ડર સહિતના ઘનિકોને હનીટ્રેપમાં ફસાવીને નાણા પડાવતી ટોળકી સક્રીય થઈ છે. દરમિયાન મહેસાણામાં એક ખેડૂતને બે મહિલાઓએ હનીટ્રેપમાં ફસાવ્યા હતા. ખેડૂતના મહિલા સાથેના ફોટા મહિલા અને તેના સાગરિતોએ પાડી લઈને ખેડૂત પાસેથી નાણા પડાવ્યા હતાં. ટોળકીએ ખેડૂત પાસેથી વધુ નાણાની માંગણી કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાના વિસનગરમાં ભાડાના મકાનમાં રહેતી રેશ્મા નામની યુવતીએ પોતાના સાથી મિત્રો સાથે મળી ઊંઝા ગંજ બજારમાં ખેતીનો પાક વેચવા આવેલા પાટણના ખેડૂતને ફસાવ્યા હતા. રેશ્માએ ખેડૂત સાથે ફોન ઉપર અવાર-નવાર વાત કરીને મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ 45 વર્ષીય ખેડૂતને ફોન કરી વિસનગરમાં રાખેલા ભાડાના મકાન બોલાવ્યા હતા. જ્યાં રેશ્મા અને ખેડૂતના કેટલાક ફોટા રેશ્માના સાગરિતોએ પાડી લીધા હતા. તેમજ વીડિયો પણ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના આધારે રેશ્મા અને તેના સાગરિતો ખેડૂતને બ્લેકમેલ કરતા હતા. તેમજ તેમની પાસેથી રૂ. 4 લાખ પણ પડાવ્યાં હતા.

મહિલા અને તેના સાગરિતોએ ખેડૂત પાસે વધુ 6 લાખની માંગણી કરી હતી. અંતે ખેડૂતે આ અંગે રેશ્મા, તેના સાગરિત વસીમ સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી ગણતરીના કલાકોમાં જ વસીમને વિસનગરથી ઝડપી લીધો હતો. તેમજ તેના રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી હતી. આ ઉપરાંત રેશ્મા સહિતના આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત આરંભી હતી.