Site icon Revoi.in

પોલીસને માનવતા ભારે પડીઃ લોકઅપમાંથી બહાર કઢાયેલા કેદીએ પોલીસને કરી દોડતી

Social Share

અમદાવાદઃ શહેરના દરિયાપુર વિસ્તારમાં ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીને ગભરામણ થતી હોવાથી ફરજ પરના હાજર પોલીસ કર્મચારીએ માનવતા દાખવીને તેને લોકઅપની બહાર કુલર પાસે બેસાડ્યો હતો. દરમિયાન આરોપીએ નજીકમાં પડેલુ ફિનાઈલ પી લેતા પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી. યુવાનને સારવાર અર્થે તાત્કાલિસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આરોપીએ કયાં કારણોસર આ પગલુ ભર્યું તે જાણવા માટે પોલીસે તપાસ આરંભી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના દરિયાપુરમાં પોલીસે ચોરીના ગુનામાં  નિલેશ લોધા નામના યુવાનની ધરપકડ કરી હતી અને પોલીસ લોકઅપમાં પુરવામાં આવ્યો હતો. બપોરના સમયે લોકઅપમાં આરોપી ગભરામણ અનુભવા પોલીસ કર્મચારીને જાણ કરી હતી. જેથી ફરજ પર હાજર પોલીસ કર્મચારીએ માનવતા દાખવીને તેને લોકઅપની બહાર કાઢીને કુલર પાસે બેસાડ્યો હતો. દરમિયાન તેને નજીકમાં પડેલુ ફિનાઈલ ગટગટાવી લીધું હતું.

આરોપીએ ફિનાઈલ પી લીધું હોવાની વાતની અજાણ પોલીસ કર્મચારીએ થોડા સમય બાદ તેને પરત લોકઅપમાં ધકેલી લીધો હતો. જો કે, થોડી મિનિટો બાદ જ તેણે ઉબકા અને ઉલ્ટીની ફરિયાદ કરતા પોલીસે તેની પૂચ્છા કરી હતી. જેમાં તેણે ફિનાઈલ પી લીધો હોવાનો ઘટસ્ફોટ કરતા પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમજ તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઉપરાંત નિલેશ લોધા (ઉ.વ.35, રહે ઈસનપુર) સામે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.