Site icon Revoi.in

ગુજરાતમાં ખાતર કૌભાંડનો ખેડૂતોનો આક્ષેપઃ સરકારે કર્યા તપાસના આદેશ

Social Share

અમદાવાદઃ રાજકોટના જેતપુર માર્કેટ યાર્ડમાં ડીએપી ખાતરની બોરીઓમાં ઓછુ વજન હોવાનું સામે આવતા ખેડૂતો દ્વારા ભાવનગર, સુરત, વડોદરા, સાબરકાંઠા સહિતના સ્થળો પર તપાસ કરી હતી. ત્યાં પણ ખાતરની બોરીઓમાં 50 કિલો કરતા ઓછુ વજન હોવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખાતરની બોરીઓના વજન અંગે ઘટસ્ફોટ થતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સરકારે કથિત ખાતરકાંડની ગંભીર નોંધ લઈને તપાસના આદેશ કર્યા છે. બીજી તરફ જીએસએફસી દ્વારા તપાસના આદેશ કરીને નવા વજન કાંટા લગાવવાની ખાતરી આપી છે. આ ઉપરાંત જે ખેડૂતોને ઓછુ ખાતર મળ્યું છે તેમને પુરુ ખાતર આપવાની તૈયારી દર્શાવી છે. ખાતરના કથિત કૌભાંડને પગલે કોંગ્રેસે સરકારને ઘેરવાના પ્રયાસો શરૂ કર્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટના જેતપુર માર્કેટયાર્ડમાં સરદાર ડીએપી ખાતરની બોરીઓમાં ૫૦૦ ગ્રામ જેટલુ વજન ઓછુ સામે આવ્યું હતું. જેતપુરના કહેવાતા ખાતર કૌભાંડ બાદ રાજકોટ સિવાય રાજયના ભાવનગર, સુરત, વડોદરા, સાબરકાંઠા, ઓલપાડ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરાઇ હતી. જયાં પણ ખાતરના જથ્થામાં ઘટ સામે આવી હતી. જેને પગલે હજારો ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો. તેમજ જવાબદારો સામે પગલા ભરવાની માંગણી કરી છે. કથિત ખાતર કૌભાંડને પગલે રાજ્યમાં હાલ ખાતરનું વેચાણ બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ગુજરાત ખેડૂત સમાજના આગેવાન ચેતન ગઢીયાના જણાવ્યા અનુસાર, ખાતરની એક બેગમાં ગ્રોસ વજન ૫૦.૧૨ કિલોગ્રામ અને નેટ વજન ૫૦ કિલોગ્રામનું લખાણ છે. પરંતુ અમુક બેગમાં એક કિલોથી  લઈ ૫૦૦ કિલોગ્રામ ઓછું ખાતર હોવાનું જાણવા મળ્યું હતું. ૧૪૦૦ રૂપિયામાં આવતી ડી.એ.પી.ની એક થેલીમાં ઓછું ખાતર આપવામાં આવી રહ્યું છે.