Site icon Revoi.in

અલ્પેશ ઠાકોર બાદ કોંગ્રેસના ધારાસભ્યની ભાજપના નેતાઓ સાથેની તસવીર થઈ વાયરલ

Social Share

અમદાવાદઃ કોંગ્રેસ સાથે છેડો ફાડનારા ઓબીસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની તાજેતરમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, રાજ્યના મંત્રી પ્રદીપસિંહ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કોંગ્રેસના એક ધારાસભ્યની ભાજપના આગેવાનો સાથેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. કોંગ્રેસના આ ધારાસભ્ય બીજુ કોઈ નહીં પરંતુ અલ્પેશ ઠાકોરના નીકટના મનાતા ધવલસિંહની છે. આ તસવીર એક લગ્ન પ્રસંગની હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અલ્પેશ ઠાકોરના અમદાવાદના રાણીપ સ્થિત નિવાસસ્થાને વાસ્તુમાં જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજાએ હાજરી આપી હતી. ત્યાર બાદ અલ્પેશ ઠાકોરની જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ સાથેની તસવીર વાયરલ થઈ હતી. જેથી કોંગ્રેસનો હાથ છોડનારા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ હતી. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનના પુત્રના લગ્નમાં હાજરી આપનારા અલ્પેશ ઠાકોર અને ભાજપા પૂર્વ મંત્રી શંકર ચૌધરીની તસવીર ગઈકાલે વાયરલ થઈ હતી. જેથી ઓબીસી નેતાના મુદ્દે ફરીથી રાજકારણ ગરમાયું હતું.

અલ્પેશ ઠાકોર બાદ હવે તેમના સમર્થક મનાતા બાયડના કોંગ્રેસના ધારાસભય્ ધવલસિંહ ઝાલાની ભાજપના આગેવાનો સાથેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. બાયડ તાલુકાના ભાજપના તાલુકા પંચાયતના સભ્ય અને તાલુકા પ્રમુખ સાથે ધવલસિંહ ઝાલાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ભાજપના સ્થાનિક આગેવાનના પુત્રના લગ્નમાં ઝાલાએ હાજરી આપી હતી તે દરમિયાનની આ તસવીર હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધવલસિંહ ઝાલા કોંગ્રેસનો સાથ છોડનાર અલ્પેશ ઠાકોરના નીકટ માનવામાં આવે છે. એટલું જ નહીં કોંગ્રેસમાંથી નેતાઓને કાઢવામાં આવતા હોવાનો પણ તાજેતરમાં તેમણે આક્ષેપ કર્યો હતો. ત્યારે ધવલસિંહ ઝાલાનો ભાજપના સ્થાનિક આગેવાનો સાથેના ફોટાથી ફરીથી રાજકારણ ગરમાયું છે.