Site icon Revoi.in

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રોગચાળો વકર્યોઃ ઝાડાઉલ્ટીના કેસ વધ્યાં

Social Share

અમદાવાદઃ શહેરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. બીજી તરફ ગરમીમાં રોગચાળાએ માથુ ઉચક્યું છે. ઝાડાઉલ્ટી, કમળો અને તાવના કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે. શહેરમાં છેલ્લા 11 દિવસમાં 31344 જેટલા તાળના કેસ સામે આવ્યાં છે. શહેરમાં રોગચાળો વકતા ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. શહેરમાં કમળા અને ટાઈફોઈડના કેસો પણ વધ્યાં હોવાનું જાણવા મળે છે.

મનપાના સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં છેલ્લા 11 દિવસમાં ઝાડાઉલ્ટીના 435, કમળાના 73 અને ટાઈફોઈડના 158 મળીને 666 જેટલા દર્દીઓ તો મ્યુનિ. હોસ્પિટલોમાં દાખલ થયેલા છે. હાલ બરફના ગોળા, હલકા પ્રકારના શરબત, કાપેલા ખુલ્લાં ફળો, ભેળસેળવાળો કેરીનો રસ, ગંદી જગ્યામાં કઢાતો શેરડીનો રસ, લારી પર વેચાતો વાસી નાસ્તો વગેરેના કારણે ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફેલાય છે.

શહેરમાં મેલેરિયાના 97, ફાલ્સીપેરમના 9 અને ચિકનગુનિયાનો 1 મળીને 107 દર્દીઓ સારવાર માટે મ્યુનિ. હોસ્પિટલોમાં દાખલ થયા છે. જ્યારે મ્યુનિ.ના હેલ્થ વર્કરોએ મેલેરિયા જેવા લક્ષણો ધરાવતા 31173 દર્દીઓના લોહીના અને ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા 171 દર્દીના સીરમના નમૂના ચકાસણી માટે લેવાયા છે. એનો અર્થ એ થયો કે તાવના જ 31344 દર્દીઓ નોંધાયા છે. શહેરમાં રોગચાળો વકરતા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રોગચાળાને અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.