Site icon Revoi.in

વડોદરા એક્સપ્રેસ-વે પર કાર પલટી ખાઈ જતા 4ના મોત

Social Share

અમદાવાદઃ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક પૂરઝડપે પસાર થતી કાર પલટી ખાઈ જતા સર્જાયેલા ગમખ્યાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળે છે. કારમાં સવાર લોકો અમદાવાદ તરફ આવી રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા એક્સપ્રેસ વે પરથી પૂર ઝડપે પસાર થતી મહારાષ્ટ્રની કારના ચાલકે નડિયાદ નજીક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનાને પગલે કારમાં સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ બનાવને પગલે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ પોલીસને જાણ કરી હતી. માર્ગ અકસ્માતની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ અકસ્માતમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. પોલીસે તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. મૃતકોની મોડે સુધી ઓળખ થઈ ન હતી. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટે કવાયત આરંભી છે. અકસ્માતના પગલે એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેથી પોલીસે ટ્રાફિક જામ હળવો કરવાની કામગીરી શરૂ કરી હતી. માર્ગ અકસ્માતમાં એક સાથે ચાર વ્યક્તિઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અકસ્માત સમયે કાર ઓવરસ્પીડ હોવાનું આસપાસના લોકોએ જણાવ્યું હતું.