Site icon Revoi.in

મૃતદેહ અદલાબદલી પ્રકરણઃ હોસ્પિટલના કર્મચારીને કરાયો સસ્પેન્ડ

Social Share

અમદાવાદઃ શહેરમાં મનપા સંચાલિત વી.એસ.હોસ્પિટલમાં મૃતદેહની અદલ-બદલી પ્રકરણમાં સત્તાધીશોએ એક કર્મચારીની ભૂલને કારણે આ થયું હોવાનો લૂલો બચાવ કર્યો છે. તેમજ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને સમિતિના રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. બીજી તરફ મિતલ અને મુસ્લિમ મહિલા નર્સરીનના મૃતદેહનું તબીબોની પેનલ દ્વારા પીએમ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાવળાની મિતલ જાદવ નામની યુવતી ઉપર એક તરફી પ્રેમમાં પાગલ યુવાનો હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું અમદાવાદની વી.એસ.હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઉપરાંત કર્ણાટકથી સારવાર કરાવવા આવેલી સગર્ભા નસરીન નામની મહિલાનું પણ હોસ્પિટલમાં મોત થયું હતું. દરમિયાન હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે મિતલના પરિવારને નસરીનનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો. જેથી યુવતીના પરિવારજનોએ ઘરે લઈ જઈને તેની દફનવીધિ પણ કરી લીધી હતી. પરંતુ સાંજે મૃતદેહ અદલાબદલીનો પર્દાફાશ થતા તંત્ર દોડતું થઈ ગયું હતું. તેમજ મુસ્લિમ મહિલાનો મૃતદેહ ખોદીને બહાર કાઢવામાં આવ્યો હતો. સમગ્ર પ્રકરણ સામે આવતા હોસ્પિટલ તંત્ર બચાવની સ્થિતિમાં મુકાયું હતું. બીજી તરફ બન્ને મૃતક યુવતીઓના પરિવારજનોએ તબીબોની પેનલ મારફતે પીએમ કરાવવાની માંગણી કરી છે.

સમગ્ર મામલે વી.એસ. હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ મનીષ પટેલે જણાવ્યું કે, જે કંઈ થયું તે દુઃખદ છે. અમારા એક સર્વન્ટથી મૃતદેહની અદલાબદલી થઈ હતી. આ મામલે તપાસ સમિતિ બનાવવામાં આવી છે. તપાસ કમિટિમાં ડોક્ટર્સ પણ સામેલ છે. મૃતદેહ ઉપર અને કોલ્ડ સ્ટોરેજમાં મૃતકનું ટેગ હોય છે. આ ઉપરાંત જવાબદાર અધિકારીની સહી બાદ જ મૃતદેહ સોંપવામાં આવે છે. આ કેસમાં પણ જવાબદાર અધિકારીની સહી હતી. મૃતદેહ આપતા પહેલા મૃતકના સગાઓની ઓળખ પણ કરવામાં આવતી હોય છે. આ કેસમાં પણ ઓળખ કરવામાં આવી હતી. જો કે, હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટે જવાબદાર અધિકારીનું નામ આપવાનું ટાળ્યું હતું.