
ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ હવે અરુણ જેટલીના નામે ઓળખાશે – DDCA નો નિર્ણય
દિલ્હી અને ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસોસિએશને ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને અરુણ જેટલી સ્ટેડિયમ કરવાનો નિર્ણય કર્યો છે. થોડાક સમય પહેલા જ ભાજપના વરિષ્ઠ નેતા જેટલીનું લાંબી બિમારી બાદ 66 વર્ષની વયે નિધન થયું હતું. જેટલીએ ડીડીસીએના અધ્યક્ષ અને BCCIના ભૂતપૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી હતી.
સ્ટેડિયમના નવા નામકરણનો કાર્યક્રમ 12 સપ્ટેમ્બરના રોજ યોજાશે અને આજ દિવસે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ ભારતીય ટીમના સૂકાની વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવશે. ડીડીસીએએ ટ્વીટરના માધ્યમથી નામ બદલવાની જાણકારી આપી હતી.
DDCA એ ટ્વીટ કરી હતી કે, “કોટલાનું નામ હવે બદલીને અરુણ જેટલી સ્ટેડિયમ કરાયું છે. જો કે મેદાનનું નામ ફિરોઝ શાહ કોટલા જ રહેશે. દિલ્હીના ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવાનો સમારોહ 12 સપ્ટેમ્બરે યોજાશે અને આ દિવસે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ વિરાટ કોહલીના નામ પર રખાશે.”
A clarification from the DDCA president: The stadium has been named as Arun Jaitley Stadium. The ground will continue to be called the Feroz Shah Kotla.
— DDCA (@delhi_cricket) August 27, 2019
અગાઉ ભાજપના સાંસદ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સૂકાની ગૌતમ ગંભીરે પણ યમુના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું નામ જેટલીના નામ પર રાખવાની દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને ભલામણ કરી હતી. જેટલીનું 24 ઑગસ્ટના રોજ લાંબી બિમારી બાદ નિધન થયું હતું.