Site icon Revoi.in

ધો-2ના નબળા બાળકોને વેકેશનમાં ભણાવવા માટે સમયદાન આપવા સરકારની અપીલ છતાં શિક્ષકો નિરસ

Social Share

અમદાવાદઃ નાના બાળકોને પાયાથી જ લેખન-વાંચનથી લઈને સારૂ શિક્ષણ આપી શકાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની એવી સ્થિતિ છે. કે, સાતમા ધોરણના ઘણાબધા બાળકોને લખતા કે વાંચતા પણ આવડતું નથી.આથી શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૨ના વિદ્યાર્થીઓ માટે નિદાન અને ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો હતો. જેના લીધે ધોરણ-૨ના વિદ્યાર્થીઓ લેખન, ગણન અને વાંચનમાં અપેક્ષિત સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા. જોકે, હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ નબળા હોઈ તેઓ ધોરણ-૩માં આવે તે પહેલા તેમનું વાંચન, લેખન અને ગણન મજબૂત થાય તે માટે વેકેશનમાં શિક્ષકોને સમયદાન આપવા માટે અપીલ કરાઈ છે. જોકે, આ સમયદાન મરજિયાત હોઈ કોઈ શિક્ષકને તેના માટે ફરજ પાડી શકાશે નહીં. વેકેશનના ૨૫ દિવસ દરમિયાન રોજ બે કલાક માટે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય માટે અપીલ કરવામાં આવી છે. પણ મોટાભાગના શિક્ષકોને રસ નથી

સૂત્રોના જણાવ્યા મુજબ  શિક્ષણ વિભાગ દ્વારા ફેબ્રુઆરીથી એપ્રિલ-૨૦૧૯ દરમિયાન ધોરણ-૨ના વિદ્યાર્થીઓને વાચન, લેખન, ગણનના મૂળભૂત કૌશલ્યો શીખવવા માટે નિદાન અને ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ-૨ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિમાં સુધારો થયો છે. આમ, છતાં હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને ગણનમાં અપેક્ષિત સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા નથી. ધોરણ-૨ના ઉપચારાત્મક શિક્ષણનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, આગામી વર્ષે ધોરણ-૩માં દાખલ થનારા એક પણ વિદ્યાર્થી એવો ન હોય કે જે વાચન, લેખન અને ગણનમાં અપેક્ષિત સિદ્ધિ સ્તરે ન પહોંચ્યો હતો. જોકે, હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓના લીધે હેતુ પૂર્ણ રૂપે સિદ્ધ થતો નથી. રાજ્યમાં ૬ મેથી ૧૦ જૂન સુધી ઉનાળુ વેકેશન છે,  જેથી જે વિદ્યાર્થીઓએ હજુ પણ અપેક્ષિત સિદ્ધિ પ્રાપ્ત નથી કરી તેવા વિદ્યાર્થીઓ આવતા વર્ષે ધોરણ-૩માં મુશ્કેલી ન અનુભવે તે માટે વેકેશન દરમિયાન ૨૫ દિવસ સુધી રોજના બે કલાકનું શૈક્ષણિક કાર્ય કરાવી શકાય તેમ હોઈ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પરિપત્ર કરી શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો, સીઆરસી-બીઆરસી કો-ઓર્ડિનેટરને સ્વૈચ્છિક રીતે સમયદાન કરવા અપીલ કરી છે. આ કાર્યમાં જે લોકો સ્વૈચ્છિક રીતે સમયદાન આપવા તૈયાર હોય તેમને જ જોડવા માટે જણાવાયું છે. જો, સ્કૂલમાં ધોરણ-૨ના શિક્ષક સિવાયના વ્યક્તિ સમયદાન કરતા હોય તો બાળકોની શૈક્ષણિક સ્થિતિ- પ્રગતિ અંગે તેમણે ધોરણ-૨ના શિક્ષક સાથે દરરોજ રૂબરૂ અથવા ટેલિફોનિક પરામર્શ કરવા પણ તાકીદ કરી છે. સ્વૈચ્છિક સમયદાન કરવા તૈયાર તમામ વ્યક્તિઓને બાયસેગના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવશે અને સારા હેતુ માટે કરેલા કાર્ય બદલ પ્રશસ્તિપત્ર આપવામાં આવશે. આમ, સંભવત ૧૦ મેથી આગામી ૨૫ દિવસ માટે સ્કૂલમાં બે કલાક માટે ધોરણ-૨ના નબળા વિદ્યાર્થીઓનો પાયો મજબૂત કરવામાં આવશે. જોકે મોટાભાગના શિક્ષકો વેકેશનના મુડમાં હોવાથી સમયદાન આપવા માગતા નથી.