Site icon Revoi.in

જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજા સાથે ફોટો વાયરલ થતા અલ્પેશ ઠાકોર બચાવની સ્થિતિમાં

Social Share

ગાંધીનગરઃ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેમને ધારાસભ્ય પદેથી દૂર કરવા માટે કોંગ્રેસે કવાયત તેજ બનાવી છે. દરમિયાન અલ્પેશ ઠાકોરનો ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજ્યના મંત્રી પ્રદીપસિંહ જાડેજાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા અલ્પેશ ઠાકોરના મુદ્દે રાજકારણ વધુ ગરમાયું છે. બન્ને નેતાઓ સાથે સારા સંબંધ હોવાનો અલ્પેશ ઠાકોરે બચાવ કરીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો ઈન્કાર કરી કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં અલ્પેશ ઠાકોરના નવનિર્મિત આલિશાન બંગલામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે બેઠક મળી હોવાની અટકળો વહેતી થઈ હતી. તેમજ ભાજપના આ બે નેતાઓ અને અલ્પેશ ઠાકોરનો ફોટો વાયરલ થતા તરહે-તરેહની અટકળો વહેતી થઈ હતી.  દરમિયાન અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, સીએમ, પ્રદીપસિંહ જાડેજા અને જીતુભાઈ વાઘાણી મારા સારા મિત્રો છે. મારા ઘરે નાની પૂજા રાખી હોવાથી પ્રદીપસિંહ અને જીતુભાઈને આમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓ મારા ઘરે હાજર રહ્યા હતા. તેમજ કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણી સાથે પણ સાારા સંબંધો હોવાનું તેમણે જણાવ્યું હતું.

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ કોઈ છોડતું નથી, જો કે, ધક્કામારીને કાઢવામાં આવે છે. કોંગ્રેસ મારું MLA પદ લેવા માટે હવાતિયા મારે છે. પરંતુ હું મારા ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપું. મને પ્રજાએ ચૂંટીને મોકલ્યો હોવાથી રાજીનામું આપવાનો નથી. ધારાસભ્ય પદ છીનવી લેવામાં આવશે તો ફરીથી રાધનપુર બેઠક પરથી ફરીથી ચૂંટણી લડીશ. કોંગ્રેસમાં અંદરોઅંદર એકબીજાને પાડવાની લડાઈ ચાલી રહી છે.