લોકસભા ચૂંટણી છઠ્ઠા તબક્કામાં 61% વોટિંગ, બિહાર અને પ. બંગાળમાં ભાજપના ઉમેદવારો પર હુમલો
નવી દિલ્હી: નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે સાત રાજ્યોની 59 લોકસભા બેઠકો પર વોટિંગ થઈ છે. 59 બેઠકો પર સરેરાશ 61 ટકા વોટિંગ નોંધાયું છે.
પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 58 ટકા વોટિંગ થયું છે. સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં 77 ટકા વોટિંગ થયું છે. ઝારખંડમાં 60 ટકા, મધ્યપ્રદેશમાં 59 ટકા અને હરિયાણામાં 60 ટકા વોટિંગ થયું છે.
બિહારની પશ્ચિમ ચંપારણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંજય જયસ્વાલ પર નરકટિયા ખાતેના બૂથ પર ભીડે લાઠી-દંડાથી હુમલો કર્યો હતો. અંગત સુરક્ષાકર્મીએ હવાઈ ફાયરિંગ કરીને સંજય જયસ્વાલને બચાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન કાર્યકર્તાઓ સાથે મારામારી પણ થઈ હતી.
ચાર વાગ્યા સુધી લોકસભાની 59 બેઠકો પર 51 ટકા વોટિંગ નોંધાયું છે. સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં 70 ટકા વોટિંગ થયું છે. ઝારખંડમાં 58 ટકા, મધ્યપ્રદેશમાં 52 ટકા અને હરિયાણામાં 52 ટકા વોટિંગ થયું છે.

ત્રણ વાગ્યા સુધીમાં 59 લોકસભા બેઠકો પર 43 ટકા વોટિંગ થયું છે. સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં 56 ટકા, ઝારખંડમાં 48 ટકા, મધ્યપ્રદેશમાં 44 ટકા અને હરિયાણામાં 43 ટકા વોટિંગ થયું છે.
બપોરે બે વાગ્યા સુધીમાં 39.7 ટકા જેટલું સરેરાશ વોટિંગ નોંધાયું છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 55.77 ટકા વોટિંગ થયું છે. ઝારખંડમાં 47 ટકા, મધ્યપ્રદેશમાં 42 ટકા અને હરિયાણામાં 39 ટકા મતદાન થયું છે.
બિહારના શિવહર ખાતે એક બૂથ પર હોમગાર્ડ જવાન દ્વારા ભૂલથી ગોળીબાર થયો હતો. જેમાં પોલિંગ બૂથ પર તેનાત એક કર્મચારીનું મોત નીપજ્યું હતું. બીજી તરફ મધ્યપ્રદેશના ભિંડમાં જૈતપુરાગુઢા ગામમાં બૂથ કેપ્ચરિંગની કોશિશ કરવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યકર્તાઓ પર પોલીસકર્મીઓને માર મારવાનો આરોપ છે. તે વખતે મતદાન કેન્દ્રમાં નાસભાગ પણ મચી હતી. જેને કારણે મતદાન રોકવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં છઠ્ઠા તબક્કામાં પણ હિંસાના અહેવાલ છે. અહીં ઘાટાલથી ભાજપના ઉમેદવાર ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી ભારતી ઘોષના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમની ગાડીના કાચ તૂટી ગયા હતા. કેશપુર મતદાન કેન્દ્રની બહાર કથિતપણે તેમની સાથે મારપીટ અને ધક્કામુક્કી કરવામાં આવી હતી. ભાજપે આ ઘટના માટે ટીએમસીના કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં ઝારગ્રામના ગોપીબલ્લભપુરમાં ભાજપના કાર્યકર્તાઓની લાશ મળી છે. ભાજપે ટીએમસી પર હત્યાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ પૂર્વ મિદનાપુરના ભગવાનપુરમાં પણ ભાજપના બે કાર્યકર્તાઓ અનંતા ગુચૈત અને રંજીત મૈતીને ગોળી મારવામાં આવી હતી. તેમને હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા હતા.
લોકસભા ચૂંટણી 2019માં દિલ્હી સહીતના સાત રાજ્યની 59 લોકસભા બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે. આમા કેન્દ્રીય પ્રધાનો રાધામોહન સિંહ, હર્ષવર્ધન અને મેનકા ગાંધી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોંગ્રેસના નેતાઓ દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની કિસ્મતનો પણ નિર્ણય થશે.
છઠ્ઠા તબક્કામાં ઉત્તરપ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર અને મધ્યપ્રદેસની 8-8, દિલ્હીની સાત અને ઝારખંડની ચાર બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે. આ તબક્કામાં ભાજપની આકરી પરીક્ષા છે, કારણ કે 2014માં તેને 59માંથી 45 બેઠકો પર જીત મળી હતી. ત્યારે ટીએમસીને આઠ, કોંગ્રેસને બે અને સમાજવાદી પાર્ટી અને લોક જનશક્તિ પાર્ટીને એક-એક બેઠક પર જીત મળી હતી.
કેટલા વાગ્યે, કેટલું વોટિંગ?
રાજ્ય (બેઠક) | કુલ મતદાન | 2014માં મતદાન |
બિહાર (8) | 55% | 57.11% |
હરિયાણા (10) | 62% | 71.44% |
મધ્યપ્રદેશ (8) | 60% | 56.83% |
ઉત્તરપ્રદેશ (14) | 51% | 54.49% |
પ. બંગાળ (8) | 80% | 84.96% |
ઝારખંડ (4) | 64% | 64.53% |
દિલ્હી (7) | 55% | 65.10% |
રાજ્ય | 1 વાગ્યા સુધી | 2 વાગ્યા સુધી | 3 વાગ્યા સુધી | 4 વાગ્યા સુધી | 5 વાગ્યા સુધી |
બિહાર (8) | 26% | 35% | 37% | 44% | 52% |
હરિયાણા(10) | 34% | 39% | 43% | 52% | 57% |
મધ્યપ્રદેશ (8) | 37% | 42% | 45% | 52% | 58% |
ઉત્તરપ્રદેશ (14) | 31% | 34% | 38% | 43% | 48% |
પ. બંગાળ (8) | 43% | 55% | 56% | 70% | 72% |
ઝારખંડ (4) | 45% | 47% | 48% | 58% | 59% |
દિલ્હી (7) | 22% | 33% | 34% | 45% | 47% |
રાજ્ય | 9 વાગ્યા સુધી | 10 વાગ્યા સુધી | 11 વાગ્યા સુધી | 12 વાગ્યા સુધી |
બિહાર (8) | 9% | 9% | 12% | 21% |
હરિયાણા (10) | 4% | 9% | 12% | 23% |
મધ્યપ્રદેશ (8) | 4% | 13% | 18% | 28% |
ઉત્તરપ્રદેશ(14) | 7% | 9% | 16% | 22% |
પ. બંગાળ (8) | 7% | 17% | 22% | 38% |
ઝારખંડ (4) | 12% | 15% | 28% | 31% |
દિલ્હી (7) | 4% | 8% | 9% | 19% |
પાંચ તબક્કામાં સરેરાશ 67.3% વોટિંગ
પ્રથમ તબક્કામાં સૌથી વધુ 69.5% વોટિંગ
તબક્કો | બેઠક | ક્યારે થયું વોટિંગ | મતદાનનું પ્રમાણ |
પ્રથમ | 91 | 11 એપ્રિલ | 69.5% |
દ્વિતિય | 95 | 18 એપ્રિલ | 69.44% |
તૃતિય | 117 | 23 એપ્રિલ | 68.4% |
ચતુર્થ | 71 | 29 એપ્રિલ | 65.51% |
પંચમ | 51 | 06 મે | 64% |