Site icon Revoi.in

ગુજરાતમાં આચારસંહિતા લાગુ થયા બાદ સૌથી વધુ 524 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં એક તબક્કામાં તમામ 26 લોકસભા બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. જો કે, ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ રાજ્યમાંથી ડ્રગ્સ, બિનહાસાબી રોકડ અને દારૂ મળીને કુલ રૂ. 573 કરોડનો મુદ્દામાલ ઝડપાયો હતો. આચારસંહિતા દરમિયાન બિનહિસાબી રોકડ અને પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત થવા મુદ્દે સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાને છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં તા. 10મી માર્ચે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. ચૂંટણીની જાહેરાત બાદ સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થઈ હતી. ચૂંટણીમાં નાણાની હેરાફેરી, દારૂની રેલમછેલ અને નશીલા દ્વવ્યોની હેરાફેરી અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ગુજરાતમાં રૂ. 2.44 કરોડનો દારૂ, રૂ.  2.01 કરોડની બિનહિસાબી રોકડ અને 1.95 કરોડની દ્યાતુ જપ્ત થઈ છે. લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાંથી સૌથી વધુ 524.34 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. દેશમાંથી જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સમાંથી 45 ટકા જેટલું ડ્રગ્સ માત્ર ગુજરાતમાંથી પકડી લેવામાં આવ્યું હતું.

ગુજરાતમાં 23મી એપ્રિલે યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ પણ બિનહિસાબી રોકડ અને પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત થઈ છે. 10 માર્ચથી 23 એપ્રિલ સુધીમાં રૂ. 545.47 કરોડની પ્રતિબંધિત સામગ્રી અને બિનહિસાબી રોકડ જપ્ત કરાઈ હતી. જ્યારે 23 એપ્રિલથી 10મે સુધીમાં કુલ 6.4 કરોડની બિનહિસાબી રોકડ અને પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. રાજ્યમાં આચારસંહિતા દરમિયાન 8.72 લાખ લીટર દારૂ, 99.54 કિલો ધાતુ અને 130.73 કિલો ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. પોલીસે આ પ્રતિબંધિત વસ્તુઓ સાથે કેટલાક લોકોને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.