અમદાવાદઃ ગુજરાતમાં તમામ શહેરી વિસ્તારમાં ઘર વિહોણા લોકોને શેલ્ટર હોમની સુવિધા પુરી પાડવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. એટલે હવે ફુટપાથ ઉપર રાતે સૂઈ જતા લોકોને હવે માથે છત મળશે. આ ઉપરાંત શેલ્ટર હોમમાં વાસણ અને પાણી સહિતની તમામ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે.
કેસની હકિકત અનુસાર રાજ્યમાં શેલ્ટર હોમ અને તેની સુવિધાઓને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ હતી. આ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે અરજદારને શહેરી વિસ્તારના શેલ્ટર હોમ અંગે રિપોર્ટ રજૂ કરવા અગાઉ તાકીદ કરી હતી. જેથી અરજદારે અમદાવાદ શહેરના શાહપુર, દુધેશ્વર અને ઘાટલોડિયાના શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. તેમજ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં શેલ્ટર હોમમાં સુવિધાઓનો અભાવ હોવાનું સામે આવ્યું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, શેલ્ટર હોમમાં સુવિધા ઉપલબ્ધ કરવવા માટેની માર્ગદર્શિકાનું યોગ્ય અમલીકરણ કરવામાં આવ્યું નથી. શેલ્ટર હોમમાં પરંતુ પાણી ઉપલબ્ધ નથી. એટલું જ નહિ ગેસ કનેક્શન પણ ન હોવાને લીધે વાસણોનો ઉપયોગ નહીં કરાયો હોવાથી પેટીપેક અવસ્થામાં મળી આવેલા છે. આ ઉપરાંત શેલ્ટર હોમમાં શૌચાલયની સંખ્યા રહેનારની સરખમણીમાં ખૂબ જ ઓછા છે. એટલું જ નહીં ધબળા અને ચાદર પણ કોઈ ઉપયોગ કરી શકે એવી અવસ્થામાં નથી. સરેરાશ 30 લોકો વચ્ચે માત્ર 3 લીટરના ગીઝર આપવામાં આવ્યા છે.
રાજ્યની વડી અદાલતે રિપોર્ટના આધારે વચગાળાનો આદેશ કર્યો હતો કે, શહેરી વિસ્તારોમાં વસવાટ કરતા ઘરવિહોણા લોકોને શેલ્ટર હોમ ઉપલબ્ધ કરાવવું. તેમજ તેમને શેલ્ટર હોમમાં તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવી. રાજ્યમાં અનેક લોકો ફુટપાથ ઉપર અને રોડ પાસે ખુલ્લામાં સૂઈ જાય છે તો સરકારની યોજનાનો યોગ્ય અમલ કેમ નથી તેવો વેધક સવાલ પણ તંત્રને કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે અરજીની વધુ સુનાવણી મુલત્વી રાખી છે.