Site icon Revoi.in

અહો આશ્ચર્યમઃ બાળલગ્ન મુદ્દે પાટણ સમગ્ર દેશમાં 5માં ક્રમે !

Social Share

અમદાવાદઃ અખાત્રીજના દિવસે વણજોયુ મુહૂર્ત હોવાથી મોટી સંખ્યામાં નવયુગલો લગ્નગ્રંથીથી જોડાય છે. બીજી તરફ રાજ્યમાં બાળલગ્નનું પ્રમાણ પણ વધ્યું હોવાનો ચોંકાવનારો ખૂલાસો નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોએ કર્યો છે. રાજ્યમાં બાળલગ્નને લઈને થતી ફરિયાદમાં છેલ્લા 3 વર્ષમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે. એટલું જ નહીં  સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, સમગ્ર દેશમાં બાળલગ્નો બાબતે રાજ્યનો પાટણ જિલ્લો પાંચમાં સ્થાન પર છે. પાટણમાં બાળલગ્નોનું પ્રમાણ 54 ટકાથી પણ વધારે છે.

રાજ્યમાં બાળલગ્નોને અટકાવવા માટે અસરકાર પગલા લીધા છે. આ ઉપરાંત સ્વૈચ્છીક સંસ્થાઓ પણ આ દુષણને ડામવા માટે કાર્યરત છે. તેમ છતા હજુ રાજ્યમાં કેટલાક સમાજમાં હજુ બાળલગ્નો થતા હોવાની ફરિયાદો મળી છે. 181 અભ્યમ હેલ્પલાઈનને છેલ્લા 3 વર્ષના સમયગાળામાં બાળલગ્નોને લઈને મળેલી ફરિયાદ પર નજર કરીએ તો વર્ષ 2017માં 143 ફરિયાદ મળી હતી. વર્ષ 2018માં આ આંકડો વધીને 174 પર પહોંચ્યો હતો. એટલે કે રાજ્યમાં દર સપ્તાહે અંદાજે 3 જેટલા બાળલગ્નોની ફરિયાદ સરકારી ચોપડે નોંધાય છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્યના મોટાભાગના જિલ્લામાં બાળલગ્નની કુપ્રથા હજુ ચાલુ છે. જેમાં સૌથી વધારે બનાસકાંઠા અને પાટણ જિલ્લો મોખરે છે. રાજ્યમાં જ્ઞાતિની પરંપરાના નામે અનેક જિલ્લાઓમાં બાળલગ્નો થતા હોવાનો યુનિસેફે તાજેતરમાં એક અહેવાલમાં જાહેર કર્યું હતું.  દેશમાં સૌથી વધારે બાળલગ્નોનું પ્રમાણ બિહારના જમુઈમાં 85.3 હોવાનું એક તારણમાં સામે આવ્યું છે. આ ઉપરાંત રાજસ્થાનના સવાઈ માધોપુરમાં 73.3, પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં 70.8, તેલંગાણાના મહેબુબનગરમાં 61 ટકા અને ગુજરાતમાં પાટણમાં 54 ટકા જેટલુ બાળલગ્નોનું પ્રમાણ છે.